સુરતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 12,450 ચો.મી. જમીન અપાઈ
અદાણી વિલમાર-ગ્રીન સહિતની કંપની જમીન મેળવવા કતારમાં
- Advertisement -
કચ્છમાં બે વર્ષમાં કઈ કંપનીઓને જમીન મળી
વેલસ્પન ઈન્ડિયા લિ., આઈનોક્ષ વિન્ડ ગ્રીન એનર્જી, રેસ્કો ગ્લોબલ વિન્ડ સર્વિસિસ, સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિ., બીકેટી ટાયર્સ લિ.
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં આઈનોક્ષ વિન્ડ એનર્જી સહિતની વિવિધ કંપનીઓને 7.65 લાખ ચો.મી. સરકારી પડતર જમીનની ફાળવણી કરી છે. કચ્છમાં વિવિધ પાંચ કંપનીઓને જમીન આપી છે, જેમાં વેલસ્પન ઈન્ડિયા લિ.ને 1765 ચો.મી. જમીન 4284 પ્રતિ ચો.મી.ના ભાવે આપી છે, આઈનોક્ષ વિન્ડને 3.80 લાખ ચો.મી. જેટલી સરકારી પડતર જમીન અપાઈ છે, જેમાં પ્રતિ હેક્ટર 15 હજાર ભાડું છે. રેસ્કો ગ્લોબલ વિન્ડ સર્વિસિસ પ્રા.લિ.ને 15 હજાર પ્રતિ હેક્ટરના ભાડાથી 3.60 લાખ ચો.મી. જમીન, સુમિટોમો કેમિકલ ઈન્ડિયા લિ.ને 18,875 ચો.મી. જેટલી જમીન પ્રતિ ચો.મી. 500થી 550ના ભાવે જ્યારે બીકેટી ટાયર્સ લિ.ને 4755 ચો.મી. જમીન 564 પ્રતિ ચો.મી.ના ભાવે અપાઈ છે. સુરતમાં વર્ષ 2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ને 12,450 ચો.મી. સરકારી પડતર જમીન અપાઈ છે, પ્રતિ ચો.મી. 7718ના 10 ટકા લેખે ભાવ નક્કી કરાયો હતો. જમીન ફાળવણી બદલ રાજ્ય સરકારને સુરતમાંથી એક કરોડથી વધુ જ્યારે કચ્છમાં 2.22 કરોડ જેટલી આવક પ્રાપ્ત થઈ છે. સુરતમાં રિલાયન્સને પાઈપ લાઈન માટે વપરાશી હક્કે જમીન આપી છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક લેખિત સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ માહિતી આપી છે. રાજ્યના મહેસૂલ મંત્રીએ 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ થયેલી જમીન ફાળવણીની આ માહિતી જાહેર કરી હતી. સુરત અને કચ્છ જિલ્લામાં કયા ઔદ્યોગિક એકમોની કયા પ્રકારની કેટલી જમીન મેળવવાની અરજીઓ પડતર છે તેવા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં અદાણી વિલમારે 54 હજાર ચો.મી.થી વધુ સરકારી પડતર જમીનની માગણી કરી છે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ 4.22 લાખ ચો.મી. જમીન સરકાર પાસેથી માગી છે, એ જ રીતે સુરતમાં એસ્સાર લિ.એ 74.90 લાખ ચો.મી., આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિ.એ 43.04 લાખ ચો.મી. જમીનની માગણી કરી છે, આ ઉપરાંત ઈક્વી ટ્રાન્સ લોજિસ્ટિક, ફ્રેઈટ વિંગ્સ પ્રા.લિ. યાકી એકવાકલ્ચરે પણ જમીન માગણી કરી છે. એ જ રીતે કચ્છ જિલ્લામાં અદાણી ગ્રીન એનર્જી લિ.એ 8,935 ચો.મી. સરકારી પડતર જમીન માગી છે. એ જ રીતે આશાપુરા રિન્યુએબલ પ્રા.લિ. સહિતની સંખ્યાબંધ કંપનીઓ સરકારી પડતર જમીન લેવા માટે લાઈનમાં છે.