અગાઉ 5,360 જગ્યાની ભરતીની જાહેરાત કરાઈ હતી
નિયામક કચેરી દ્વારા ટૂંક સમયમાં ભરતી અંગેની કાર્યવાહી હાથ ધરાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયાના બીજા તબક્કામાં 2,750 જગ્યા ભરવા માટે સરકાર દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે. ગત સપ્ટેમ્બર-2022માં કુલ 5,360 જગ્યાઓ ભરવાની જાહેરાત કરાઈ હતી, જે પૈકી પ્રથમ તબક્કામાં 2,600 જગ્યા પર કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેથી સરકારની જાહેરાત મુજબ 2,760 જગ્યા ખાલી હતી, પરંતુ મંજૂરીમાં 10 જગ્યાનો ઘટાડો થયો છે. સરકારની મંજૂરી મળતાં હવે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર-2022માં પ્રાથમિક શાળાના શિક્ષકોની 100 ટકા જગ્યાઓ ફોરબદલીથી ભરવા અંગેનો નિર્ણય કર્યો હતો અને સાથે સાથે નવી 5,360 જગ્યા પર ભરતી પ્રક્રિયા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યભરમાં એવી ફરિયાદો ઉઠી હતી કે, સરકાર દ્વારા ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા છેલ્લા ચાર-પાંચ વર્ષથી લેવામાં આવી નથી. જાહેરાત પહેલા ટેટ-1ની પરીક્ષા છેલ્લે વર્ષ-2018માં અને ટેટ-2ની પરીક્ષા ઓગસ્ટ-2017માં લેવામાં આવી હતી. જેથી તત્કાલિન શિક્ષણમંત્રી દ્વારા તા.7 સપ્ટેમ્બર-2022ના રોજ જાહેરાત કરાઈ હતી કે વિદ્યાસહાયકની ભરતી બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કામાં 2,600 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને બીજા તબક્કામાં 2,760 જગ્યા પરની ભરતી પ્રક્રિયા ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા યોજાયા બાદ કરવામાં આવશે. પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયામાં 123 જગ્યા ખાલી પડતાં વેઈટિંગ લીસ્ટ ઓપરેટ કરાયું હતુ, જેની પ્રક્રિયા 28મીના રોજ પૂર્ણ થશે. બીજી તરફ સરકાર દ્વારા કરાર આધારીત જ્ઞાન સહાયકોની નિમણુક કરાતાં રાજ્યભરના બેરોજગાર ઉમેદવારો દ્વારા કાયમી ભરતી અંગે માગ કરાઈ હતી. જેને લઈ બાકી રહેલી બીજા તબક્કાની ભરતી માટે નિયામક કચેરી દ્વારા સરકારમાં મંજુરી માગવામાં આવી હતી, જે મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ તબક્કાના વેઇટિંગ લિસ્ટની કાર્યવાહી પૂર્ણ થતાં નવી ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ સાથે ગાંધીનગરમાં ઉમેદવારો એકત્ર થયા છે અને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. ટેટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયક ભરતી સામે વિરોધ કરી રહ્યા હતા તે સમયે જ પોલીસે ઉમેદવારોની અટક કરી હતી.