ખાસ-ખબર સંવાદદાતા
ટામેટાના વધતા ભાવને ધ્યાનમાં રાખીને ડુંગળીના ભાવ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અત્યારથી જ તૈયારી શરૃ કરી દીધી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બફર સ્ટોકના રૃપમાં 20 ટકા વધારે માત્રા સાથે 3 લાખ ટન ડુંગળી ખરીદી છે. ડુંગળીના બફર સ્ટોકને વધુ સમય સુધી સુરક્ષિત રાખવા માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)ની સાથે ડુંગળીના વિકિરણનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે તેમ ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે આજે આ માહિતી આપી હતી. નાણાકીય વર્ષ 2022-23માં સરકારે બફર સ્ટોક સ્વરૃપે 2.51 લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે જો ઓછા ઉત્પાદનવાળી સિઝનમાં ડુંગળીના ભાવ વધી જાય છે તેવા સમયે ભાવ સ્થિર કરવા માટે બફર સ્ટોકનો ઉપયોગ કરવામાં આવે છે. રોહિત સિંહે જણાવ્યું હતું કે તહેવારોની સિઝનમાં કોઇ પણ સ્થિતિનો સામનો કરવા માટે સરકારે ચાલુ વર્ષે બફર સ્ટોકમાં ભારે વધારો કરી ત્રણ લાખ ટન ડુંગળી ખરીદી કરી છે. બફર સ્ટોક માટે જે ડુંગળી ખરીદવામાં આવી છે તે તાજેતરમાં જ સમાપ્ત થયેલ રવિ સિઝનની છે.