બદલી અને સસ્પેન્ડ થયેલાં અનેક પોલીસ કર્મચારી જ “બકરા” સંપર્કમાં !
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર જિલ્લામાં એક બાદ એક ગાંધીનગર એસ.એમ.સી ટીમના દરોડા થતા જિલ્લા પોલીસની આબરૂના લીરા ઉડ્યા હતા અને હવે એમાંય સોશિયલ મીડિયા થકી છેલ્લા કેટલાય સમયથી મૂળ સુરેન્દ્રનગર પોપટપરા ખાતે રહેતો યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી વારંવાર પોલીસની છબી ખરડાય તે પ્રકારે વીડિયો બનાવી અપલોડ કરતો હતો. જેમાં થોડા સમય પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લાના વિજયસિંહ પરમાર નામના પોલીસ કર્મચારી પર ગંભીર આક્ષેપ સાથેનો વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી આ વીડિયો હટાવવા માટે બે લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
- Advertisement -
જે બાબતે વિજયસિંહ પરમાર દ્વારા યોગેન્દ્ર ઉર્ફે બકરા વિરુધ ખંડણી અંગેનો ગુન્હો પણ નોંધાવ્યો હતો. આ તરફ ગુન્હો નોંધાતા જ જિલ્લાની મુખ્ય એલ.સી.બી બ્રાન્ચે બકરાની શોધખોળ હાથ ધરી મુંબઈથી ઝડપી સુરેન્દ્રનગર ખાતે લઈ આવી સરભરા કરી હતી. જોકે આ કૃખ્યાત શખ્સ યોગેન્દ્ર ઉર્ફે બકરો રાજ્ય બહાર હોવાથી આગાઉ તેના વિરુધ બરવાળા, થાનગઢ અને સાયબર પોલીસ મથક ખાતે ગુન્હો નોંધાયો હોય જે ત્રણેય ગુન્હામાં નાસતો ફરતો હોય અને આ સાથે અગાઉ પણ શખ્સ વિરુદ્ધ સુરેન્દ્રનગર એ તથા બી ડિવિઝન, લખતે, સરખેજ તથા જોરાવરનગર ખાતે ગુન્હા નોંધાયેલ છે જ્યારે હાલ તો આ શખ્સ દ્વારા અગાઉ કેટલા લોકો પાસેથી આ પ્રકારની મોડસ ઓપરેન્ડી થકી રૂપિયા પડાવ્યા છે તે અંગે વધુ તપાસ હાથ ધરવા માટે કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસ કર્મચારી જ “બકરા” સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ
યોગેન્દ્ર ઉર્ફે બકરાને ઝડપી તેની પ્રાથમિક પૂછપરછ કરતાં પોતે કબૂલ્યું હતું કે આગાઉ સુરેન્દ્રનગર ખાતે એસ.એમ.સી દ્વારા કરેલ જુગારની રેઇડમાં દ્વારકા બદલી થયેલ પોલીસ કર્મચારી એન. ડી.ચુડાસમા જ આ શખ્સના કોન્ટેક્ટમાં રહીને પોલીસ વિરોધી માહિતી પૂરી પાડતા હતા.
- Advertisement -
પોલીસના હાથે ચડતા “બકરો” “પોપટ” માફક બોલવા લાગ્યો
ગુજરાત સુધારાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી પોલીસ અને અન્ય લોકોના વીડિયો અપલોડ કરી છબીને હાની પહોંચાડતો “બકરો” પોલીસના સકંજામાં આવતા જ પોપટની માફક બોલવા લાગ્યો હતો અને પોલીસ કર્મચારીઓ સહિત જે લોકો સંપર્કમાં હતા તેની પોલ ખોલી નાખી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ભોગ બનનારને જાહેર અપીલ
આ સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા યોગેન્દ્ર ઉર્ફે બકરા દ્વારા અન્ય કોઈ નાગરિકોના રૂપિયા પડાવ્યા હોય અથવા તો રૂપિયાની માંગ કરી હોય તેવા લોકોને પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવા માટે જાહેર અપીલ કરી છે.”



