સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ
ભારતીય સંસ્કૃતિમાં પ્રતિકોનો ઉપયોગ પુરાતન કાળથી થતો આવ્યો છે. ભારતીય મંદિર નિર્માણ શૈલીમાં જોઈએ તો ભગવાનને પ્રિય એવા ફૂલ, વાદ્ય, આયુધ, પક્ષી કે પ્રાણીઓને પ્રતિક સ્વરૂપે આપણે મંદિરોના પ્રાંગણમાં જોઈએ છીએ. આવી જ રીતે ઘર નિર્માણમાં પણ મુખ્ય પ્રવેશદ્વાર પર શુભ પ્રતિક બનાવવાની પ્રથા ભારતીય ઘરોમાં રહી છે. વાસ્તવમાં દરેક પ્રતિક એક ચોક્કસ ઊર્જા ધરાવે છે અને આપણા ઘરને નકારાત્મક ઊર્જાથી બચાવવા અને સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરવામાં સહાયરૂપ બને છે. સામાન્ય લોકોને આ બધી વાતો થોડી ધાર્મિક લાગે પરંતુ હવે તો બોવીસ સ્કેલ નામના યંત્રની મદદથી આપણે દરેક પ્રતિક કે સિમ્બોલની ઊર્જા પણ માપી શકીએ છીએ. બોવીસ નામના આ યંત્રથી ઊર્જા માપતા ખ્યાલ આવ્યો કે ધાર્મિક પ્રતિકો અદ્ભુત ઊર્જા ધરાવે છે. પ્રતિકની સાથે અલગ અલગ ધર્મોમાં વપરાતા વાદ્ય જેમ કે મંદિરમાં રહેલ ઘંટ કે તિબેટીયન બેલ વગાડતી વખતે પણ શુભ ઊર્જા પ્રચૂર માત્રામાં હોય છે તે બોવીસ સ્કેલ પર નોંધાયું છે. ભારતીય જીવન શૈલીમાં આપણે ભાગ્યે જ એવા ઘર જોયા હશે જેના પર તમોને તોરણ, ભગવાનનું ચિત્ર, સાથિયા (સ્વસ્તિક), ૐ, કમળ, કળશ, શંખ કે લક્ષ્મી પગલાંના જોયા હોય, વિવિધ રંગોના ઉપયોગ દ્વારા લગાવવામાં આવતાં આ શુભ પ્રતિકો પાછળનો આશય સારી ઊર્જાને આકર્ષી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જ મેળવવાનું છે.
શુભ પ્રતિક જે નકારાત્મક ઊર્જાથી બચાવવા અને સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરવામાં મદદરૂપ થાય છે.
- Advertisement -
સાથિયા (સ્વસ્તિક): ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્વસ્તિક એટલે કે સાથિયાનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થતો હોય છે. હિન્દુ ઘરો, ઓફિસો, વ્યવસાયો, દુકાનો, લગ્નના કાર્ડ, આરતીની થાળી કે ઘરનો ઉંબરો બધી જગ્યાએ આપણે સ્વસ્તિક કરતાં હોઈએ છીએ. નવું વાહન ખરીદી અને ચલાવતાં પહેલાં સૌ પ્રથમ કંકુનો સ્વસ્તિક કરવામાં આવતો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકને એક શક્તિશાળી સૌભાગ્ય પ્રતિક તરીકે પણ ગણવામાં આવે છે. એકસરખી ચાર બાજુવાળો સ્વસ્તિક અનિષ્ટ થતાં બચાવે છે, સ્વસ્તિક બનાવતી વખતે ખૂબ કાળજી રાખવી. ઘણાં લોકો અજાણતાં ઉલ્ટો સ્વસ્તિક બનાવે છે જે લાભને બદલે હાનિકારક સાબિત થાય છે. ભવન ભાસ્કર નામના ગ્રંથમાં પણ ખોટી જગ્યાએ રહેલ દરવાજાનો દોષ દૂર કરવા સ્વસ્તિકનો ઉપયોગ સૂચવેલો છે. ભારતીય સ્ત્રીઓ સવારે ઉંબરો પૂજતી વખતે ઉંબરાની બંને બાજુ કંકુથી સાથિયા કરતી હોય છે. નવા ઘરમાં વાસ્તુ સમયે પ્રવેશ કરતી વખતે સાથિયા (સ્વસ્તિક) અને દિવાળીમાં ચોપડા પૂજનમાં ચોપડામાં સાથિયા (સ્વસ્તિક) બનાવવાની પ્રથા રહી છે. સ્વસ્તિક, ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર પુરૂષાર્થનું પ્રતિક છે.
ૐ : સ્વસ્તિક જેવું અન્ય શુભ પ્રતિક એટલે ૐ. ઓમકારના જાપ અને નાદથી દિવ્ય અનુભૂતિ થાય છે. ઓમકારના જાપ અને ચિત્ર મનને શાંતિ આપવાનું કામ કરે છે. મંદિરમાં કે ધ્યાન કરવાની જગ્યાએ ઓમનું ચિત્ર રાખવું લાભદાયી રહેશે.
કમળ : કમળ લક્ષ્મીજીનું આસન છે. કમળ મૃદુ છે એટલે કે કોમળ છે લક્ષ્મીજીની કૃપા મેળવવા આ પ્રતિક ઘણું સહાયરૂપ છે. કમળ કાદવમાં રહીને પણ ગંદકીથી દૂર રહે છે. જે તેનો પવિત્રતાનો ગુણ દર્શાવે છે. આપના વ્યવસાયના સ્થળે પ્રવેશદ્વાર નજીક પાણીમાં કમળના પુષ્પો રાખવાની કામકાજમાં નવી તકો મળશે.
- Advertisement -
ચક્ર (ધર્મચક્ર) : ચક્રને પણ ભારતીય સંસ્કૃતિમાં શુભ પ્રતિક માન્યું છે. ચક્ર માંગલ્ય, ગતિશીલતા અને સતત વિકાસ દર્શાવે છે. ચક્ર વૈદિકકાળથી આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે. ચક્ર શક્તિનું પ્રતિક ગણવામાં આવે છે. જૈનોમાં સિદ્ધચક્ર અને બૌદ્ધધર્મમાં ધર્મચક્રનો ઉલ્લેખ છે.
કળશ : કળશનું પ્રતિક સૌભાગ્ય અને સંપૂર્ણતાનું સૂચક છે. હિન્દુ શાસ્ત્રોમાં કળશનું પૂજામાં વિશેષ મહત્ત્વ છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં, પુરાતન કાળમાં રાજા મહારાજા યુદ્ધના આરંભે પૂજા કરી કળશ સ્થાપન કરતાં. કળશમાં ભગવાન વરૂણની પૂજા કરવામાં આવે છે. બૌદ્ધ ગુફામાં કમળ પુષ્પ સાથે કળશનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મંદિરોનાં શિખરો પર પણ કળશની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રિમાં મંદિરોમાં તથા હિન્દુ લોકોમાં ઘરમાં કળશ સ્થાપન કરતાં હોય છે.
શંખ : પૂજામાં વપરાતા શંખને પણ ભારતીય સંસ્કૃતિમાં ઘણો શુભ માનવામાં આવ્યો છે. શંખનાદ દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ ઊર્જાનો સંચાર કરે છે. પ્રાચીન સમયમાં મંદિરમાં આરતી સમયે શંખનાદ થતો હતો. (હાલમાં અમુક મંદિરો અથવા ગામડામાં હજુ શંખનાદ થાય છે.) ઉપરાંત યુદ્ધોમાં સેનાપતિઓ શંખનાદ સાથે આક્રમણની શરૂઆત કરતાં હતાં.
સૂર્ય : આજકાલ બજારમાં ત્રાંબા કે પિત્તળના સૂર્યમુખ મળતાં હોય છે. આ પ્રતિક પણ ખૂબ જ અદ્ભુત ઊર્જા ધરાવે છે. ઘરની અંદર કે બહારની બાજુ મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવી શકાય છે. જો ધાતુના ન મળે તો ફોટોફ્રેમ પણ લગાવી શકાય. પરંતુ આ પ્રતિક લગાવતી વખતે જો કુદરતી મટિરિયલ જેમ કે લાકડું કે પિત્તળ જેવી ધાતુઓ હશે તો તેની ઊર્જા આર્ટિફિશ્યલ મટિરિયલના પ્રમાણમાં ઘણી વધારે હશે.