હેવાન મૌલિક નાદપરાએ ભાગીદાર યુવતીને બેહરહેમીપૂર્વક માર માર્યાના ઈઈઝટ વાયરલ
મૌલિકે પહેલાં ખુરસી પર ગળું દબાવી આડેધડ ઢીંક-મુક્કા માર્યાં અને પછી યુવતીના વાળ પકડીને નીચે પછાડી માથે કૂદકાં માર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં એક યુવક અને યુવતીના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સાથે યુવતીને યુવક સાથે ભાગીદારમાં ધંધો કરવો ભારે પડ્યાની સનસનાટી મચાવી દેનારી સ્ટોરી પ્રકાશમાં આવી છે. બનાવની વિગત અનુસાર શિતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મમેક યુવતીને માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યુવતીએ ધંધામાં ધ્યાન આપવાનું કહેતા ભાગીદાર મૌલિક નાદપરા નામના યુવકે ખુરસી પર ગળું દબાવી આડેધડ ઢીંક-મુક્કા માર્યાં હતાં. બાદમાં હેવાનની જેમ મહિલાના વાળ પકડીને નીચે પટકીને માર મારવાની સાથે માથે ખૂદકા પણ મારવા લાગ્યો હતો. આ સિવાય પણ યુવકે યુવતીને તેની દીકરીના નજર સામે માર મારતા ઢળી પડી હતી. આ બન્ને મારામારીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
યુવતી અને તેને માર મારનાર મૌલિકે પેકેજિંગ પ્રોડ્કટનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં મહિલાએ 60 લાખ રૂપિયાની લોન લીધી હોવાનો દાવો કર્યો છે. ધંધામાં ધંધાકીય વાતચીત બાદ યુવકે ઉગ્ર બની યુવતીને માર મારી ધમકી પણ આપી હતી. મારામારીની આ ઘટના જૂન 2025માં બની હતી. સમગ્ર કેસમાં 9 ડિસેમ્બર, 2025ના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
આ અંગેની નોંધાવેલી ફરિયાદમાં 36 વર્ષીય યુવતીએ જણાવ્યું છે કે, મારે નોકરીની જરૂરીયાત હોવાથી વર્ષ 2021માં ઓનલાઇન જોબ એપ્લીકેશન મારફત મૌલિક પ્રફુલભાઈ નાદપરાનો સંપર્ક કર્યો હતો. મારે તેની સાથે ફોન ઉપર વાત પણ થઇ હતી અને ત્યારબાદ અમે બન્નેએ ભાગીદારીમાં ઓફિસ લઈને ધંધો કરવાનુ નક્કી કર્યું હતું. લોન લીધા બાદ તેના હપ્તા બન્ને સાથે ભરીશું તેવુ કહ્યું હતું, જેથી મેં લોન લઈને 2023માં 150 ફુટ રિંગ રોડ પર શીતલ્પાર્ક ચોકમાં ‘ધ સ્પાયર ટુ’ નામની બિલ્ડિંગમાં ઓફિસ નં.913 લઈ અને પેકેજીંગ પ્રોડેક્ટનો ધંધો શરૂ કર્યો હતો. ત્યારબાદ આ મૌલિક નાદપરાએ અમારા ધંધામા ધ્યાન આપવાનુ બંધ કરતા ધંધો ઓછો ચાલવા લાગ્યો હતો. હું તેને સમજાવતા તે મારી સાથે ઝઘડો કરી બોલચાલી કરતો હતો અને મને સલાહ આપતી નહીં તેવું કહેતો હતો.
જૂન 2025માં હું મારી ઓફિસ ખાતે હતી, ત્યારે બપોરના 12 વાગ્યા આસપાસ મૌલિકને મેં બેંકમાં આપણી લોનના હપ્તા ભરવાનુ ચાલુ છે, જેથી તું ધંધામા ધ્યાન આપ કહેતા મૌલિક ઉશ્ર્કેલાઇ ગયો હતો અને મને ખરાબ ગાળો આપવા લાગ્યો હતો. બાદમાં મારા વાળ પકડી, ગળું પકડી નીચે પછાડી જેમફાવે તેમ ઢીકા-પાટાનો માર મારવા લાગ્યો હતો. સાથે જ ઓફિસમાં પડેલા પ્લાસ્ટીકના નાનો પાઇપ લાવી મને શરીરે માર્યો હતો. ત્યારબાદ મારા વાળ પકડી હવે કોઇ સલાહ ન આપતી બાકી જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. બનાવ અંગે અરજી આધારે હાલ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હેવાનની જેમ મૌલિકે યુવતીને દીકરીની નજર સામે માર મારતા ઢળી પડી: પોલીસ ફરિયાદ નોંધાઈ
- Advertisement -
ફરિયાદી યુવતીના વર્ષ 2017માં લગ્ન થયા હતા અને ત્યારબાદ તેમને લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક દીકરીનો જન્મ થયો હતો. જોકે પતિ સાથે અણબનાવ થતા વર્ષ 2022માં પતિ સાથે છૂટાછેડા થઇ ગયા હતાં. આ પછીથી યુવતી તેની દીકરી સાથે પોતાના માવતરે રહેતી હતી. ભાગીદાર મૌલિકે બાળકીની હાજરીમાં માર મારતા બાળકીની ઉપર પણ માનસિક અસર થવા પામી છે અને તે ડરી ગઈ હોવાનો મહિલાએ ઉલ્લેખ કર્યો છે. મૌલિકે યુવતીને જૂન મહિનામાં માર માર્યો હતો, ત્યારબાદ અવારનવાર રૂપિયા પરત આપી દેવા જાણ કરવામાં આવી હતી અને અરજી પાછી ખેંચી લેવા તેમજ સમાધાન કરવા દબાણ કરતો હતો. જો કે, થોડા દિવસ પૂર્વે ફરી રૂપિયા માંગણી કરતા બેફામ ગાળો ફોનમાં આપતા અંતે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, સીસીટીવી ફૂટેજમાં ઓફિસની અંદર બે વખત માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પણ અનેક વખત માર મારવામાં આવ્યો છે અને ધમકી પણ અનેક વખત આપવામાં આવી છે. આરોપી મૌલિક વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ફરિયાદીએ માંગણી કરી છે.



