વાંકાનેર DySP દ્વારા રજૂઆત કરનારને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
મૂળી તાલુકાના દુધઈ ગામે સરકારી જમીન પર ચક્ર સફેદ માટીના ખનન સામે રજૂઆત કરનાર જાગૃત નાગરિકને નોટિસ પાઠવતા મામલો ફરીથી ગરમાયો છે. જેમાં મૂળીના દુધઈ ગામે સરકારી જમીન પર આગાઉ ચાલતી ગેરકાયદેસર સફેદ માટીની ચોરી અંગે સ્થાનિક જાગૃત નાગરિક રામકુભાઈ કરપડા દ્વારા ગેરકાયદેસર ખનન મામલે જિલ્લા ખાણ ખનિજ વિભાગને રજૂઆત કરતા ખાણ ખનિજ વિભાગે દરોડો કરી પાંચેક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો જે બાદ થોડા સમય સુધી આ સ્થળ પર ખનિજ ચોરી અટકી હતી પરંતુ જે બાદ ફરીથી સફેદ માટીનું ખનન શરૂ થતાં જાગૃત નાગરિક દ્વારા બીજી વખત પણ રજૂઆત કરી હતી જેને લઇ આ ખનિજ ચોરી સંકળાયેલ મોરબી જિલ્લાના પોલીસ કર્મચારી દ્વારા રજૂઆતકર્તાને ટેલીફોનીક વાતચીત કરી પોતે ભાગીદાર હોવાનો ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો આ તરફ દુધઈ ગ્રામ પંચાયતે પણ પિતાના વિસ્તારમાં ખનિજ ચોરી કરતા પોલીસ કર્મચારીના નામ શીખે ગ્રામ પંચાયતના લેટર પેડ પર રજૂઆત કરી હતી
- Advertisement -
આ બાબતે અખબારી અહેવાલોને ધ્યાને લઈ સફેદ માટી ખનનમાં સંકળાયેલ પોલીસ કર્મચારી વિરુધ તપાસના આદેશ છૂટયા હતા ત્યારે વાંકાનેર ડીવાયએસપી દ્વારા રજૂઆત કરનાર દુધઈ ગામના રામકુભાઈ કરપડા ને પોલીસ કર્મચારી ખનનમાં સંડોવાયેલ હોવા અંગેના પુરાવા અને નિવેદન બાબતે વાંકાનેર ખાતે હાજર રહેવા નોટિસ ફટકારી છે. ત્યારે એક તરફ સરકારી તંત્ર ખનિજ ચોરી અંગે રજૂઆતકર્તાનું નામ ગુપ્ત રાખવા અને માહિતી આપવાની જાહેરાતો કરી રહી છે તેવામાં બીજી તરફ પોલીસ કર્મચારી દ્વારા થતી ખનિજ ચોરી અને તે અંગેની તપાસમાં રજૂઆતકર્તાને નોટિસ પાઠવી કચેરી ખાતે હાજર રહેવા ફરમાન કરતા હવે ભવિષ્યમાં ખનિજ ચોરી કરતા ઈસમો સામે કોઈપણ વ્યક્તિએ રજૂઆત કરતા પહેલા સો વખત વિચારીને રજૂઆત કરવી પડશે તેવી સ્થિતિ ઊભી કરાઈ છે.