રોગી કલ્યાણ સમિતિના સભ્યો દર્દીના કલ્યાણ બાબતે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં !
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લાની સૌથી મોટી સીવીલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે જોકે સુવિધાવિહોણી સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ડોક્ટરો અને રેડિયોલોજીસ્ટની જગ્યા ખાલી હતી જયારે ખુદ સીવીલ સર્જનની પોસ્ટ પણ ઈન્ચાર્જથી ચાલે છે. જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ હોવાની સાથે હવે મેડિકલ કોલેજને પણ માન્યતા મળી છે તેમ છતાં રેડીયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ, એનેસ્થેટિક, કાયમી ઓર્થોપેડિક તબીબોની જગ્યા ભરાયેલ નથી. ગત 8 જુનના રોજ મંત્રી મેરજાએ મસમોટી જાહેરાત કરી હતી કે સીવીલ હોસ્પિટલમાં જનરલ સર્જન તરીકે ડો. યશ પટેલ, રેડિયોલોજીસ્ટ તરીકે ડો. હર્ષિલ અઘેરા અને ગાયનેકોલોજિસ્ટ તરીકે ડો. મીરલ આદ્રોજા એમ ત્રણ જગ્યા ભરવામાં આવી છે. જોકે હાલમાં સ્થિતી એ બની છે કે, તબીબોની નિમણુંક થયાના 22 દિવસ કરતા પણ વધુ સમય થવા છતાં રેડીયોલોજીસ્ટ તેમજ જનરલ સર્જન હાજર જ થયા નથી તો ગાયનેકોલોજિસ્ટ પણ હાજર થયાના બે ત્રણ દિવસ બાદ 30 જૂન સુધી રજા પર ઉતરી ગયા હતા જોકે શુક્રવારે ફરી તેઓ ફરજ પર હાજર થઈ ગયા હતા. મોરબી જિલ્લાની હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટ અને સર્જન તેમજ ગાયનેકોલોજિસ્ટની જગ્યા ભરાઈ હોવાની મસમોટી જાહેરાત કરનાર મંત્રીને બીજીવાર ફોલોઅપ લેવાનું પણ યાદ ન આવ્યું કે ખરેખર જેની મસમોટી જાહેરાત કરી હતી તેવા તબીબો હાજર થયા કે નહીં અને જો હાજર નથી થયા તો તેમના બદલે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ છે કે કેમ ?
- Advertisement -
સીવીલ હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટની જગ્યા એક તો વર્ષોથી ખાલી હતી હવે આ જગ્યા ભરાઈ તો તે પણ હાજર ન થયા જેના કારણે એપેન્ડિક્સ, પથરીના દર્દીઓ કે એવા દર્દીઓ જેને સોનોગ્રાફી કરવાની જરૂર પડે તેવા દર્દીઓને ફરજિયાત ખાનગી લેબોરેટરીમાં જવું પડે છે જેથી ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓ લૂંટાઈ રહ્યા છે ત્યારે મોરબીના રાજકીય આગેવાનો અને મેડિકલ ક્ષેત્રમાં જોડાયેલ કેટલાક લોકો દર્દીઓને લૂંટી રહ્યા છે તેમ છતાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય તરીકે સીવીલ સર્જન અને જિલ્લા કલેક્ટર બંને હોવા છતાં દર્દીઓનું કલ્યાણ થાય તે બાબત પર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય અને સીવીલની કથડતી સુવિધા અંગે પગલાં ન લેવાના સોગંધ લીધા હોય તેવી પરિસ્થિતિ બની ગઈ છે. આ બાબતે ’ખાસ ખબર’ દ્વારા ઈન્ચાર્જ સિવિલ સર્જન સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સર્જન સાહેબે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.