રાજકોટ બાર એસોસિએશનની શરમજનક ઘટના
હાજર સભ્યોએ સર્વાનુમતે નિરવ પંડ્યાની અધ્યક્ષ તરીકે નિમણૂક કરી બોર્ડ પૂર્ણ કર્યું
- Advertisement -
મિનિટ્સ બુક સાથે લઇ ગયાના મેસેજ સામે નિરવ પંડ્યાએ પુરાવા તરીકે વીડિયો જાહેર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાર એસોસિએશનમાં જનરલ બોર્ડની કાર્યવાહીને લઈને એક વધુ વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. નિયમ મુજબ ચૂંટણીની જાહેરાત પહેલાં જનરલ બોર્ડ બોલાવવામાં ન આવ્યાનો અહેવાલ પ્રકાશિત થયા બાદ, વર્તમાન પ્રમુખ દ્વારા 17 ડિસેમ્બરના રોજ સાંજે કોઈપણ પ્રકારની જાહેર નોટીસ વિના માત્ર એક મેસેજના માધ્યમથી 18 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે જનરલ બોર્ડ બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે નિયત સમયે જનરલ બોર્ડ શરૂ તો થઇ ગયુ પરંતુ બોર્ડમાં માત્ર 69 વકીલ જ હાજર રહેતા કોરમ પણ પૂર્ણ થયો નહોતો. નિયમ મુજબ કોરમ પૂર્ણ ન થાય ત્યાં સુધી જનરલ બોર્ડ ચાલુ જ ન થઇ શકે તેમ છતાં બોર્ડ શરૂ કરવામાં આવ્યુ અને હિસાબો રજૂ કરવામાં આવતા અનેક વકીલો દ્વારા તેનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વધતા વિરોધને પગલે વર્તમાન બોડી સભ્યો જનરલ બોર્ડ છોડીને બહાર નીકળી ગયા હતા. આ પછી, હાજર વકીલ સભ્યોએ સર્વાનુમતે એડવોકેટ નિરવ પંડ્યા કે જેઓ વર્તમાન બાર એસો.ની ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષે પ્રમુખપદ માટે દાવેદારી કરી છે તેની અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી. અને જનરલ બોર્ડની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અધ્યક્ષ તરીકે નિરવ પંડ્યા દ્વારા મિનિટ્સ બુક મંગાવી પોતાની પાસે રાખી તમામ ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા અને જનરલ બોર્ડ પૂર્ણ થયા બાદ મિનિટ્સ બુક જમા કરાવી હોવાનું જણાવાયું છે. પરંતુ નિરવ પંડ્યા બાર એસોસિએશનમાં સ્વંતત્ર પક્ષે પ્રમુખપદ માટે ચૂંટણી લડી રહ્યા હોવાથી થોડા સમય બાદ સોશિયલ મીડિયા અને મેસેજ દ્વારા એવી અફવાઓ ફેલાવવામાં આવી કે તેઓ મિનિટ્સ બુક સાથે લઈ ગયા છે. આ આક્ષેપોને નકારી કાઢતાં નિરવ પંડ્યાએ મિનિટ્સ બુક જમા કરાવ્યાનો વિડિયો જાહેર કરીને સ્પષ્ટ પુરાવો રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલા મેસેજ સંપૂર્ણપણે અફવા અને ભ્રામક છે. આ શરમજનક ઘટનાએ રાજકોટ બાર એસોસિએશનની કાર્યપદ્ધતિ, પારદર્શિતા અને નિયમપાલન પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, જ્યારે ચૂંટણી પૂર્વેનો માહોલ વધુ તણાવપૂર્ણ બનતો જાય છે.



