હવે આકરા તાપ સાથે ગરમીના ડોઝ માટે થઈ જાવ તૈયાર
હાલમાં બપોરના સમયે તડકા સાથે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે રાત્રીના સમયે ગરમીથી રાહત જોવા મળે છે, પરંતુ આગામી સપ્તાહથી ગરમીનો આકરો ડોઝ આવી રહ્યો છે. આ સીઝનમાં ગરમીનો પ્રથમ જોરદાર રાઉન્ડ આવતા સપ્તાહમાં જોવા મળશે. 14મી માર્ચ સુધીમાં અમુક શહેરોમાં દિવસનું તાપમાન 40 ડિગ્રીને વટાવી જશે, તો 14 થી 16 દરમિયાન અમુક સેન્ટરોમાં હિટવેવનો માહોલ જોવા મળશે તેમ વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.
બપોરે તડકા સાથે આંશિક ગરમીનો અનુભવ થાય છે. મહત્તમ તાપમાન હાલમાં નોર્મલ કરતાં થોડું ઉંચુ જોવા મળે છે. જેમ કે અમદાવાદ 36.7, અમરેલી 37.2, વડોદરા 35.2, ભુજ 37.4, રાજકોટ 37.8 ગઈકાલે નોંધાયેલ. હાલમાં મહત્તમ તાપમાન નોર્મલ 34 થી 35 ડિગ્રી ગણાય અને હજુ આવતા સપ્તાહમાં નોર્મલ તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો જોવા મળશે. વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. 10 થી 16 માર્ચ (ગુરૂ થી બુધ) સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહીના દિવસો દરમિયાન મહત્તમ તાપમાન ક્રમશ: વધતુ જશે. તા.14 સોમવાર આસપાસ તો તાપમાન અમુક સેન્ટરોમાં 40 ડિગ્રીને પણ વટાવી જશે.


