ગુજરાતની સૌથી દર્દનાક માનવસર્જિત દુર્ઘટના TRP અગ્નિકાંડને બે માસ પૂરા થયાં…
15 આરોપીઓ સામે દોઢ લાખથી વધુ પેજનું ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ
- Advertisement -
ગેમઝોનમાંથી પેટ્રોલ કે ડિઝલ જેવું કોઈ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો ભૂંજાઇ ગયા હતા આ બનાવમાં સીટની ટીમ દ્વારા તપાસ કરી દોઢ લાખથી વધુ પાનાનું ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કર્યું છે આ અંગે ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું કે, 15 આરોપી સામે ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ થઈ ગયું છે, પણ આ ગુનામાં હજુ પણ તપાસ ચાલશે અન્ય આરોપીઓની સંડોવણી ખુલશે તો તેની પણ ધરપકડ કરવામાં આવશે ગેમઝોનમાથી કોઈ પેટ્રોલ કે ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું નથી આ કેસમાં એક સીએની પણ નિમણૂક કરવામાં આવી છે.
25 મેની સાંજે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલભાઇ ભરતભાઇ ઠકકર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા જૈન, મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, ગૌતમ દેવશંકરભાઇ જોષી, મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, જયદીપ બાલુભાઈ ચૌધરી રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ઇલેશ વાલાભાઈ ખેર, ભીખા જીવાભાઈ ઠેબા અને મહેશની ધરપકડ કરવામાં આવી છે જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ હીરનનું મોત થયું હતું કેસની તપાસ લાંબી હતી પણ તે ઝડપી થઈ છે 365થી વધુ સાહેદોના નિવેદનો લેવાયા છે. સાક્ષીઓના નિવેદન લેવાયા છે અનેક કર્મચારીઓ અધિકારીઓની પણ પૂછપરછ થઈ છે. જેથી તેના કાગળો તૈયાર થયા છે. આ તમામ પુરાવા, નિવેદન પોલીસે ચાર્જશીટના સ્વરૂપમાં કોર્ટને
અપાયા છે.
- Advertisement -
ગઈકાલે કોર્ટમાં એસીપી બી. બી. બસિયા અને તેમની ટીમે જે ચાર્જશીટ ફાઈલ કર્યું તેમાં 15 આરોપી સામે મૂળ 80 પેજનું અને 395 સાહેદોના નિવેદન સાથેનું દોઢ લાખથી વધુ પેજનું ચાર્જશીટ છે ડીસીપી ક્રાઇમએ જણાવ્યું કે, આ ગુનામાં આર્થિક વ્યવહાર અંગે તપાસ થશે. ગેમ ઝોનના મુખ્ય સંચાલક પ્રકાશ જૈનનું બનાવ વખતે જ આગમાં જ ભુંજાઈ જવાથી મોત થયું હતું. આ પ્રકાશના આર્થિક વ્યવહારોની તપાસ કરવામાં આવશે. આ તપાસ માટે ખાસ સીએની નિમણુંક થઈ છે. આ કેસમાં જે જે આર્થિક વ્યવહાર સામે આવશે તેના કાગળો સીએ તૈયાર કરશે અને કોર્ટ સમક્ષ પુરાવા રૂપે આ આર્થિક વ્યવહારોને મુકવામાં આવશે તપાસમાં સામે આવ્યું છે કે, ટીઆરપી ગેમ ઝોનમાં મુખ્યત્વે વેલ્ડીંગ વખતે આગ લાગી હતી. પતરાના આખા સ્ટ્રક્ચરમાં અંદરની તરફ પ્લાસ્ટીકના ફોમ શીટ, પ્લાયવુડ, જેવા ઝડપથી સળગી ઉઠતા મટીરીયલનો ઉપયોગ થયો હતો. જેમાં ફોમશીટનો કુલીંગ વધારવા માટે ઉપયોગ થયો હતો. જેથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. માત્ર 3 થી 4 મિનિટમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગી તે સ્ટ્રક્ચરની અંદર કોઈ પેટ્રોલ- ડિઝલ જેવા જવલનશીલ પ્રવાહીની હાજરી મળી નથી.
વિપક્ષના આક્ષેપો ઘણા અંશે સાચા ઠર્યા
અગ્નિકાંડને આજે બે માસ પૂરા થયા છે, ત્યારે રાજકોટ સીટ દ્વારા ગઇકાલે ચાર્જશીટ રજૂ કરાયું છે. આ એક લાખથી વધુ પાનાની ચાર્જશીટમાં મનપાના અધિકારીઓને બાદ કરતા અન્ય એક પણ પદાધિકારી કે રાજકીય આગેવાનોના નામનો ઘટસ્ફોટ થયાનું સામે આવ્યું નથી. બે-બે સીટ ટીમ તપાસ કરી રહી હતી, પરંતુ એક પણ સીટ ટીમ દ્વારા દુર્ઘટનાની તપાસ કરતી ટીમથી અલગ કોઈ કાર્યવાહી કરી શકી નથી. એટલે એવું સ્પષ્ટ થાય છે કે, અગાઉ વિપક્ષ દ્વારા જે સીટ ટીમ તપાસના નામે નાટક કરતી હોવાના આક્ષેપ કર્યા હતા, તે સાચા હોય તેવું લાગી રહ્યું છે.
સાગઠિયાના આકાઓ અને વહીવટદારો કોણ હતા?
સમગ્ર કેસમાં એસીબીએ પણ ઝંપલાવ્યું હતું અને તેમના દ્વારા અપ્રમાણસર મિલકત કેસમાં મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા અને તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ભીખા ઠેબા પાસેથી 80 લાખથી વધુની, જ્યારે મનસુખ સાગઠિયા પાસેથી કુલ 28 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આમ છતાં એસીબી તપાસમાં સાગઠિયાથી આગળ વધી શક્યું નથી.
આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ ગુનો
પોલીસ દ્વારા સમગ્ર મામલે સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલા ધવલ, ઠક્કર, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નીતિન જૈન, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, વેલ્ડિંગ કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડ તેમજ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠિયા, મનપાના જ અન્ય અધિકારીઓ ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા સાથે ફાયર બ્રિગેડના તત્કાલિન ચીફ ફાયર ઓફિસર ઇલેશબાઈ વાલાભાઈ ખેર, ડે. ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબા અને સ્ટેશન ઓફિસર રોહિત આસમલભાઈ વીગોરાની ધરપકડ કરવામાં આવી છે.