પૂર-વરસાદ-ભૂસ્ખલન: ઉત્તર ભારતમાં 40 વર્ષની સૌથી મોટી બરબાદી
પંજાબના તમામ જિલ્લાઓમાં પૂર, 1400 ગામડાંઓ પાણીમાં ગરકાવ-30નાં મોત: કુલ્લુ-મનાલીમાં ભૂસ્ખલનએ 9ના જીવ લીધા: હિમાચલમાં 1300 રસ્તા બંધ, ઉત્તરપ્રદેશનાં 20 શહેરોમાં ભારે વરસાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દિલ્હીમાં, યમુના નદી ભયજનક નિશાન (205 મીટર)થી 206 મીટર ઉપર વહી રહી છે. કારણ કે હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં નીચાણવાળા વિસ્તારોમાંથી 10 હજાર લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. સ્કૂલોને ઓનલાઈન વર્ગો ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગંગા બાદ હવે યમુના નદીમાં પૂર આવ્યું છે. તે ભયજનક નિશાનને પાર થઈ ગઈ છે. દિલ્હીથી લઈને આગ્રા, મથુરા સુધી, શહેરોના ઘણા વિસ્તારો ડૂબી જવાના આરે છે. લોકો પોતાના ઘર છોડવા મજબુર થયા છે.
દિલ્હીમાં યમુના નદીમાં ફરી એકવાર પૂર આવ્યું છે અને જૂના રેલવે પુલ પાસેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. કેન્દ્રીય જળ આયોગની સત્તાવાર આગાહી મુજબ, દિલ્હી રેલવે પુલ (ઉત્તર જિલ્લો) પર યમુના નદીનું જળસ્તર હજુ પણ ખતરનાક સ્થિતિમાં છે અને 206.36 મીટર સુધી પહોંચી ગયું છે, જે 205.33 મીટરના ભયજનક નિશાનથી 1.03 મીટર ઉપર છે. જળસ્તર હજુ પણ વધી રહ્યું છે, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે અને ભય વધ્યો છે.
- Advertisement -
પંજાબના તમામ 23 જિલ્લાઓ હાલમાં પૂરનો સામનો કરી રહ્યા છે. ઘણી જગ્યાએ સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે હવામાન વિભાગે આજે યલો એલર્ટ જારી કર્યું છે. સરકારી માહિતી અનુસાર, લગભગ 1400 ગામડા પાણીમાં ડૂબી ગયા છે. તેમાંથી ગુરદાસપુરના 324 ગામડાઓ સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. અમૃતસરમાં 135, બરનાલામાં 134 અને હોશિયારપુરમાં 119 ગામડાઓ પ્રઅસરગ્રસ્ત થયા છે. 30 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો હજુ પણ ગુમ છે. ઉત્તર પ્રદેશના 20 શહેરોમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. નોઈડા (ગૌતમ બુદ્ધ નગર)માં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મથુરામાં યમુનામાં પૂર આવ્યું છે. યમુનાનું પાણી બાંકે બિહારી મંદિરથી માત્ર 400 મીટર દૂર છે. અહીં 900 પરિવારો અસરગ્રસ્ત થયા છે. આગ્રામાં, યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચી ગયું છે.
હિમાચલ પ્રદેશમાં 1300થી વધુ રસ્તાઓ બંધ છે. છેલ્લા 24 કલાકમાં ઘર પડવા અને ભૂસ્ખલનમાં 8 લોકોના મોત થયા છે. રાજ્યના 7 જિલ્લાઓમાં સ્કૂલો અને કોલેજો બંધ કરવામાં આવી છે. તેમજ, રાજસ્થાનના દૌસાના લાલસોટમાં ડેમ તૂટવાથી જયપુરના 5થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે.
મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 970.28મીમી વરસાદ પડ્યો છે, જે મોસમના 104% વરસાદ છે, જ્યારે અત્યાર સુધીમાં 800.1મીમી વરસાદની અપેક્ષા હતી. રાજ્યનો સામાન્ય વરસાદ 939.8મીમી છે. ગયા ચોમાસાની ઋતુમાં સરેરાશ વરસાદ 1117.6મીમી હતો.