19.55 કરોડ મુદલ ઉપરાંત 15 કરોડ વ્યાજ ચૂકવી દીધું છતાં 1 કરોડ માંગી ધમકી
જાનથી મારી નાખવાની ધમકી આપતાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ઠેબચડા ગામમાં રહેતા ખેડૂતે સાત વ્યાજખોર પાસેથી લીધેલી 19.55 કરોડની મુદ્દલ રકમ ઉપરાંત 15 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં વધુ રકમની માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા મામલો પોલીસમાં પહોંચ્યો છે પોલીસ કમિશનરને ખેડૂતે કરેલી અરજી બાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
રાજકોટ નજીક આવેલા ઠેબચડા ગામમાં રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ રઘુવીરસિંહ જાડેજાએ પોલીસ કમિશનરને કરેલી લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચેક વર્ષથી તેને જમીન મકાનના ધંધા માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતા મિત્ર અને સંબંધીઓના ઓળખીતા એવા સાત વ્યક્તિઓ પાસેથી અંદાજે 19.55 કરોડ રૂપિયા 3, 4 અને 5 ટકાના વ્યાજેથી લીધા હતા જેમાં નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈએ અમરગઢના ભૂપત સંગ્રામ શિરોલિયા પાસેથી કટકે કટકે 13.85 કરોડ રૂપિયા લીધા હતા. મૂળ રકમ ઉપરાંત 10 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું હતું છતાં ઠેબચડામાં આવેલી 20 વિઘા જમીનનો દસ્તાવેજ ભૂપત કરી આપતો નથી અને હજુ પણ વધુ પૈસાની માગ કરી રહ્યો છે. આ ઉપરાંત પાડાસણના મહેશ વેલા મુંધવા અને રાજકોટમાં આર્યનગર મેઈન રોડ પર ગોવિંદબાગ શાક માર્કેટ પાસે રહેતા વિક્રમ સતા ગમારા પાસેથી 2.85 કરોડ વ્યાજે લીધા હતા મૂળ રકમ ઉપરાંત 5 કરોડ વ્યાજ ચૂકવી દીધુ છતાં સરધારમાં આવેલા 3 મકાનના દસ્તાવેજ કરી આપતા નથી જ્યારે લક્ષ્મીવાડીના પરેશ બચુ ડાભી પાસેથી 50 લાખ વ્યાજે લીધા હતા એ રકમ પરત આપી દીધી આમ છતાં સાતડા ગામમાં આવેલી જમીનનો દસ્તાવેજ કરી આપતો નથી. આ ઉપરાંત નવાગામમાં રહેતા અજય જીવણ ઝાપડા પાસેથી 1.35 કરોડ વ્યાજે લીધા હતા તેની મૂળ રકમ અને વ્યાજ આપી દીધું હોવા છતાં ત્રણ મકાનના દસ્તાવેજ અજય કરી આપતો નથી. જ્યારે બોટાદ જિલ્લાના ગઢડામાં ભાથીજી મહારાજની દેરી પાસે રહેતા પંકજ જેસિંગ સુમડ પાસેથી 1 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. મૂળ રકમ ઉપરાંત વ્યાજ પણ ચૂકવી દીધું હોવા છતાં રામોડિયા ગામની સરવે નં. 57 પૈકી 1ની 15 વિઘા જમીનનો દસ્તાવેજ કરી આપતો નથી.
રકમ બહુ મોટી વ્યાજે લઈ લીધી હતી અને ધંધામાં મંદી આવતા વ્યાજ ચૂકવવું મુશ્કેલ થઈ ગયું હતું. આથી સાતેય વ્યાજખોરને પોતાની અને પોતાના સગા સંબંધીઓની ખેતીની જમીન તેમજ કેટલાક મકાનના દસ્તાવેજ કરી આપ્યા હતા. સાતેય વ્યક્તિઓને મુદ્દલ રકમ 19.55 કરોડ ઉપરાંત 15 કરોડનું વ્યાજ સહિત કુલ 34.55 કરોડ આપી દીધા હોવા છતાં હજુ પણ વ્યાજખોરો 50 લાખથી 1 કરોડની રકમ વધુ આપવી પડશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. આ બાબતે ઠેબચડાના ખેડૂતે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને ન્યાય અપાવવાની માંગ સાથે કરેલી અરજી બાદ ક્રાઈમબ્રાન્ચે તપાસ શરૂ કરી છે.



