રાજકોટ લોકમેળા માટે કડક SOP, તંત્ર હવે સ્ટોલ ઘટાડશે
હજુ મંડપ, સફાઇ, સિક્યુરીટી અને લાઇટના ટેન્ડરો મંગાવાયા જ નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રેસકોર્સ મેદાન પર યોજાનાર લોકમેળો આ વર્ષે રાઇડ સંચાલકો માટેની કડક એસઓપીને કારણે જાણે ચકડોળે ચડ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. કલેક્ટર તંત્રની કડક એસઓપીને રાઇડ સંચાલકો નિયમો હળવા કરવા જણાવે છે પરંતુ તે કલેક્ટર તંત્ર એસઓપી બાબતે કોઇ જ બાંધછોડ કરવા માટે તૈયાર નથી.
લોકમેળામાં તંત્રે રમકડા, ખાણીપીણી, નાની-મધ્યમ ચકરડી, ટી-કોર્નર, આઇસ્ક્રીમ ચોકઠા અને રાઇડો મળીને કુલ 238 સ્ટોલ રાખ્યા, પરંતુ જેટલા સ્ટોલ રાખ્યા છે તેટલા ફોર્મ ઉપડયા નથી, માત્ર 130 ફોર્મ ગયા છે, અને રપ ભરાયા છે, તેમાં 6 તો આઇસ્ક્રીમ ચોકઠાના છે, તંત્રે ત્રણ વખત ફોર્મ ઉપાડવા-ભરવા અંગે મુદત વધારી, આજે ફોર્મ ઉપાડનો અને કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, હવે તંત્ર મુદત વધારવાનું નથી, આથી જે ફોર્મ ભરશે તેને સ્ટોલ મળી જાય તેવી સ્થિતિનું હાલ નિર્માણ થઇ રહ્યુ છે. ત્યારે સુત્રોના કહેવા મુજબ ફોર્મ ઓછા ગયા હોય, અમારે ફરજીયાત સ્ટોલ ઘટાડવા પડશે, જેના પરિણામે આખો પ્લાન ફેરવવા અંગે પણ સુચના અપાઇ છે, બીજી બાજૂ હજુ મંડપ, સફાઇ, સિકયોરીટી, લાઇટ અંગેના ટેન્ડરોના કોઇ ઠેકાણા નથી, ટેન્ડરો મંગાવાયા નથી, આમ આખો મેળો કડક એસઓપીના કારણે વાસ્તવમાં ચકડોળે ચડી ગયો છે.
મેળામાં ઉંચા ફજતફાળકા, મોટા ઝૂલા, ઉંચક-નીચક, મોતના કૂવા, ટ્રેન વિગેરેનું મૂખ્ય આકર્ષણ હોય છે, આ લોકો આવ્યા નથી, જેના પરિણામે રમકડા-ખાણીપીણીના સ્ટોલ ધારકો પણ મેદાનમાં ઉતર્યા નથી, આથી મેળો અત્યારથી ફિકકો પડી ગયો છે. કલેકટર તંત્રનું કહેવુ છે કે ભલે રાઇડના ધંધાર્થીઓ આવ્યા ન હોય, મેળામાં અમારી પાસે 30 થી 40 ટકા જગ્યા રહેશે, જયાં અવનવી સ્પર્ધાઓ, નવી નવી રમતો, યોગ સહિતની બાબતો રાખવા અંગે તૈયારીઓ કરી છે, તંત્રને આશા છે કે, લોકમેળો દર વર્ષની જેમ જમાવટ કરશે, અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો જન્માષ્ટમીના તહેવારો માણવા મેળામાં ઉમટી પડશે તેવી આશા છે.