સુરેન્દ્રનગર જિલ્લામાં 6 જગ્યા માટે એક ડઝન ઉમેદવારો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
રાજ્ય સરકાર દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષકની ખાલી પડેલી 151 જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી ગત ડિસેમ્બરમાં આરંભી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની 6 જગ્યાઓ માટે 1 ડઝનથી વધુ એચ ટાટ મુખ્ય શિક્ષકોએ અરજી કરી છે. આગામી તા. રજી ફેબ્રુઆરીના રોજ રાજયમાં પસંદ કરાયેલા સેન્ટરો પર પરીક્ષા લેવાશે.
- Advertisement -
જાન્યુઆરી માસના અંતમાં મુખ્ય શિક્ષકોનો જિલ્લા ફેરબદલી કેમ્પ હોઈ અન્ય જિલ્લામાં જવા માંગતા ઉમેદવારોએ મદદનીશ કેળવણી નિરીક્ષક બનવા અરજી ન કરી હોવાનું જાણવા મળ્યુ છે. સમગ્ર રાજયમાં મદદનીશ કેળવણી નિરીક્ષકોની 151 જગ્યાઓ ખાલી છે. ત્યારે આ જગ્યાઓ બઢતીથી ભરવા માટે ગત તા. 4થી ડિસેમ્બરે રાજય સરકારે જાહેરનામુ બહાર પાડયુ હતુ.
જેમાં હાલ રાજયમાં એચટાટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા આચાર્યોને મદદનીશ કેળવણી નીરીક્ષક બનવાનો સોનેરી અવસર મળ્યો છે. જેમાં તા. 11મીથી 26મી ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની હતી. જેમાં મુખ્ય શિક્ષક તરીકે પાંચ વર્ષ ફરજના થયા હોય તેઓ જ અરજી કરી શકે તેમ જણાવાયુ હતુ. આ અરજી કર્યા બાદ નિયત ફી ભરવાની હતી.
ત્યારે રાજયની 151 જગ્યાઓ માટે 3200થી વધુ અરજીઓ થઈ હોવાનું તથા જિલ્લાની 6 જગ્યાઓ માટે 12થી વધુ અરજીઓ થઈ હોવાનું હાલ જાણવા મળ્યુ છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી ભદ્રસીંહ વાઘેલા અને નાયબ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી ભરતભાઈ પરમારે જણાવ્યુ કે, આગામી તા. 2જી ફેબ્રુઆરીના રોજ રાજયના પસંદગીના સેન્ટરો પર પરીક્ષા લેવામાં આવનાર છે.
આ પરીક્ષામાં પાસ થનાર અને મેરીટમાં આવનાર ઉમેદવારોને મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે બઢતી આપવામાં આવશે. એચટાટ આચાર્યની ભરતી બાદ જેમ પ્રથમવાર જિલ્લા ફેરબદલી કેમ્પ થઈ રહ્યો છે. તેમ પ્રથમવાર તેઓને મદદનીશ કેળવણી નિરીક્ષક બનવાની તક મળી છે.