નરસિંહ મહેતા યુનિ. ખાતે યોજાઇ સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
યુવાશક્તિને આપણા સાંસ્કૃતિક મૂલ્યોના જતન સંવર્ધન જાળવવા અને વિકૃતિઓથી બચાવવાના આહવાન સાથે ‘સેવ કલ્ચર, સેવ ભારત’ ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે ઝોનકક્ષાની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં યુ.કે.વી. મહિલા કોલેજ કેશોદનાં વિદ્યાર્થીની સુત્રેજા કિર્તીબેન નગાભાઇ, પ્રથમ સ્થાને જ્યારે સોમનાથ સંસ્કૃત યુનિ.નાં ઈશાબેન પ્રણવકુમાર શુક્લા દ્વિતિય સ્થાને અને જે.ઓ. ગોધાણી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં બંસીબેન અશ્વિનભાઇ ઠક્કર તૃતિય સ્થાને વિજેતા જાહેર થયા હતા.
આ પ્રસંગે ડો. અતુલભાઇ બાપોદરાએ દુરવાણીથી પ્રાસંગિક વાત કરતા જણાવ્યુ હતુ કે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા યુવાનોમાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગરૂક્તા અને વિરાસતોનું ગૌરવ પુન:સ્થાપન કરવાનું પ્રેરણા સિંચન કરશે, યુનિ. સંલગ્ન કોલેજોમાં સ્પર્ધા સંપન્ન થયા બાદ આજે યુનિ. ભવન ખાતે ઝોન કક્ષાની વકતૃત્વ સ્પર્ધા યોજાઇ રહી છે. ઉતિર્ણ પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ ઠક્કર બંસીબેન, ઈશાબેન શુક્લા અને સુત્રેજા કિર્તીબેન હવે રાજ્યકક્ષાએ પરફોર્મન્સ રજુ કરશે.
- Advertisement -
ડો. બાપોદરાએ ઉમેર્યુ હતુ કે વિકસિત ભારતના નિર્માણ માટે સંસ્કૃતિ અને વિરાસતોની ધરોહરોની જાળવણી સાથે વિકાસ ભી, વિરાસત ભીનું પ્રધાનમંત્રીએ વિઝન આપ્યું છે. વિરાસતોના જતન સાથે સાંસ્કૃતિક મૂલ્ય નિષ્ઠાનું સંસ્કાર સિંચન યુવાઓમાં કરીને યુવાશક્તિના સહારે વિકસિત ભારત 2047નો તેમનો સંકલ્પ છે.આ પ્રસંગે યુનિ.નાં રજીસ્ટ્રાર ડો. મયંક સોનીએ યુવાઓને આહવાન કર્યું કે, વિકસિત ભારતના નિર્માણમાં તેમનો ફાળો વિશેષ રહેવાનો છે ત્યારે મૂલ્યનિષ્ઠા અને સંસ્કૃતિના વાહક બનીને હાલની વિકૃતિઓ બદીઓના પડકારોથી દેશ અને રાજ્યને બચાવવાનું દાયિત્વ યુવાશક્તિ ઉપાડે. આ માટે યુવાનોમાં ચેતના જાગૃત કરવામાં ‘સેવ કલ્ચર, સેવ ભારત’ ફાઉન્ડેશનના સરાહનીય પ્રયાસોને તેમણે સમયાનુકૂલ આવકાર આપેલ.