ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે જેમાં ભાજપે 60 વર્ષના રાજકીય ઇતિહાસમાં ઐતિહાસિક 156 બેઠકો મેળવી છે જ્યારે કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી છે ત્યારે ભાજપ સરકારના મંત્રી બ્રિજેશ મેરજાના ગામમાં જ ભાજપને મત ન મળ્યા હોવાનું સામે આવ્યું છે. બ્રિજેશ મેરજાના ચમનપર ગામમાં કુલ 233 મતદારો છે, જેમાંથી 145 મતદારોએ મતદાન કર્યું હતું જેમાંથી 115 મત કોંગ્રેસને અને માત્ર 29 મત જ ભાજપને મળ્યા છે.
મોરબી માળિયા બેઠકની ટીકીટ માટે બ્રિજેશ મેરજા અને કાંતિલાલ અમૃતિયા વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. ભાજપનું એક ગ્રુપ સતત કાંતિલાલને ટિકિટ ન મળે તે માટે પ્રયાસો કરી રહ્યું હતું જોકે ટિકિટ બાદ પણ કાંતિલાલને હરાવવા માટે ભાજપના અનેક નેતાઓ કામ કરી રહ્યા હોવાની માહિતી પણ સામે આવી હતી ત્યારે મંત્રી બ્રિજેશ મેરજાના જ ગામમાં મતને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે.
મહત્વનું છે કે, મોરબી માળિયા બેઠકના પરિણામ પર આખા ગુજરાતની નજર રહી હતી કારણ કે ચૂંટણીના એક મહિના પહેલા જ મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ગોઝારી દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં 135 થી વધુ લોકોના મોત થયા હતા અને ભાજપ શાસિત નગરપાલિકા પર આકરા પ્રહારો થયા હતા. આ જોતા એવું લાગી રહ્યું હતું કે, મોરબીમાં ભાજપ વિરોધી મતદાન થશે પરંતુ આનાથી તદ્દન વિપરીત પરિણામ આવ્યું છે અને મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા જંગી બહુમતીથી જીતી ગયા છે. કાંતિ અમૃતિયા છઠ્ઠી વાર મોરબીના ધારાસભ્ય બન્યા છે. આગાઉ 1995 થી 2012 સુધી પાંચ ટર્મ સુધી કાંતિ અમૃતિયા મોરબીના ધારાસભ્ય રહ્યાં હતા.
ટિકિટની ખેંચતાણની અસર: મંત્રી બ્રિજેશ મેરજાના ગામમાં જ ભાજપને મત ન મળ્યા!
