રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉઘાડી લૂંટ
અત્યાર સુધી ઉઘરાવાયેલા નાણાં પણ હૉસ્પિટલ તંત્રએ પરત કરવા જોઈએ-તેવી લોકોમાં લાગણી
- Advertisement -
RTIથી માંગવામાં આવેલી વિગતથી ખુલાસો થયો કે, 1500 ડૉનેશનનો કોઈ નિયમ નથી, પરિપત્ર નથી, સરકારી આદેશ નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતમાં રહેતા લોકો માટે દક્ષિણ આફ્રિકાના દેશોમાં જવા માટે યલો ફીવર વેક્સિન લેવી ફરજીયાત હોય છે. જો સૌરાષ્ટ્રમાં રહેતા લોકોને યલો ફીવર વેક્સિન લેવી હોય તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં યલો ફીવર વેક્સિન આપવામાં આવે છે. જોકે આ 75 રૂપિયાની યલો ફીવર વેક્સિન ફરજીયાત ઉપરાંત 1500 રૂપિયા ડોનેશન તરીકે ઉઘરાવવામાં આવતાં હોવાનો અહેવાલ ‘ખાસ-ખબર’માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતે આરટીઆઈ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓ પાસેથી યલો ફીવર વેક્સિનના નામે ફરજીયાતપણે ડોનેશનના પૈસા ઉઘરાવે છે. યલો ફીવર વેક્સિનની ફી માત્ર 75 રૂપિયા જ છે પરંતુ સિવિલ હોસ્પિટલ તંત્ર દર્દી પાસેથી 1575 રૂપિયા ઉઘરાવી રહ્યા છે જ્યારે 1500 અને 75 રૂપિયાની અલગ અલગ રસીદ આપવામાં આવે છે જેમાં 75 રૂપિયા યલો વેક્સિનની અને 1500 રૂપિયા ડોનેશનની રોગી કલ્યાણ સમિતિની રસીદ અપાય છે.
જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ કરી યલો ફીવર રસી લેનાર પાસેથી 1500 રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં ક્યાં આધારે કે પરિપત્ર મુજબ ડોનેશન રૂપે લેવામાં આવે છે એવી માહિતી માંગવામાં આવી તો સિવિલ હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું કે, 15/02/2017ના રોજ યેલો ફીવર વેક્સિનેશન અંતર્ગત મિટિંગમાં થયેલ ચર્ચા અનુસાર યેલો ફીવર ચાર્જીસ લેવામાં આવે છે. મતલબ કે, સિવિલ હોસ્પિટલ પાસે યલો ફીવર વેક્સિન લેનાર પાસેથી 1500 રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં લેવામાં આવે છે તેનો પરિપત્ર જ નથી!
ઉલ્લેખનીય છે કે, અગાઉ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડટ અને અન્ય જવાબદાર અધિકારીને આ અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ પાસે 75 રૂપિયાની યલો ફીવર વેક્સિન સાથે 1500 રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં લેવાનો પરિપત્ર છે પરંતુ તેઓ આપી ન શકે. ત્યારબાદ જાગૃત નાગરિકે આ પરિપત્ર મેળવવા આરટીઆઈ કરી હતી જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે, મિટીંગમાં થયેલ ચર્ચા અનુસાર યલો ફીવર વેક્સિનના ચાર્જ લેવામાં આવે છે. આમ, સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને આરટીઆઈમાં આપેલી માહિતી વચ્ચે સુસંગતા નથી ઉપરાંત 75 રૂપિયાની યલો ફીવર વેક્સિન લેનાર પાસેથી 1500 રૂપિયા રોગી કલ્યાણ સમિતિના નામે ક્યાં આધારે કે પરિપત્ર અનુસાર લેવામાં આવે છે તેના કોઈ જ નક્કર આધાર પુરાવાઓ નથી.



 
                                 
                              
        

 
         
        