રાજ્યનો પ્રથમ કિસ્સો; લોકપાલના રિપોર્ટ બાદ આંબેડકર યુનિ.ના રજિસ્ટ્રારનું આકરું પગલું
એક સરખા માર્ક આપવા સહિતના મુદ્દે અમદાવાદના વિદ્યાર્થીઓએ જ કરી હતી ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
યુનિવર્સિટીની પરીક્ષાના સંચાલનમાં ખુદ પરીક્ષા નિયામક દ્વારા જ ગેરરીતિ આચરવામાં આવી હોય અને લોકપાલના રિપોર્ટના આધારે ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકને તાત્કાલિક અસરથી જવાબદારીમાંથી દૂર કરવાનો ઓર્ડર કર્યાનો રાજ્યનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરીક્ષા સંચાલનની કામગીરીમાં ગેરરીતિ કરવા બદલ ખુદ પરીક્ષા નિયામકને જ તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કરી દેવાતા રાજ્યભરના શિક્ષણ જગતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ સમગ્ર તપાસનો અહેવાલ ખુદ આ યુનિવર્સિટીના લોકપાલે જ આપ્યો છે. યુજીસીના આદેશ પ્રમાણે વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવા દેશની તમામ યુનિવર્સિટીઓમાં લોકપાલની નિયુક્તિ ફરજિયાત કરવામાં આવી હતી. ઞૠઈએ કહ્યું હતું કે, જો વિદ્યાર્થીઓ ફરિયાદ નિવારણ સમિતિઓ પાસેથી રાહત મેળવવામાં નિષ્ફળ જાય તો ન્યાય માટે લોકપાલનો સંપર્ક કરી શકે છે. આવી જ રીતે ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં કેટલાક વિદ્યાર્થીઓની પરીક્ષા સંબંધિત ફરિયાદ લોકપાલ પાસે આવતા તેમણે તપાસ કરાવી, જરૂરી પુરાવા સાથેનો અહેવાલ કુલપતિને આપ્યો હતો. આંબેડકર યુનિવર્સિટીના લોકપાલના રિપોર્ટના આધારે જ ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો.મનોજ શાહને સોંપવામાં આવેલી જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવા કાર્યકારી કુલસચિવે આદેશ કરતા રાજ્યના શિક્ષણ જગતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. પરિણામ પહેલા વિદ્યાર્થીને માર્કશીટ આપવા, એકસરખા માર્ક મૂકવા સહિતના જુદા જુદા 10 જેટલા મુદ્દાના લોકપાલના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
- Advertisement -
પરીક્ષા નિયામકને હટાવ્યા છે, આગળની કાર્યવાહી ચાલે છે
યુનિવર્સિટીના લોકપાલના અહેવાલના આધારે પરીક્ષા નિયામકને હટાવ્યા છે એ વાત સાચી છે પરંતુ જે-તે સમયે હું હાજર ન હતો અને આખી બાબત મારા જાણમાં નથી. પરંતુ આ બાબતે આગળની કાર્યવાહી ચાલે છે. આગળ કોઈ નિર્ણય કરીશું તો જાહેર કરીશું. અજયસિંહ જાડેજા, રજિસ્ટ્રાર, ડો.આંબેડકર યુનિવર્સિટી