આજેય કેટલીક ઐતિહાસિક વાર્તામાં ધ્રાંગધ્રા પથ્થરનું વર્ણન નજરે પડે છે
ખાસ-ખબરની વિશેષ રજૂઆત (ભાગ: 1)
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ઝાલાવાડની ઇતિહાસ હંમેશા ગૌરવ અને ખમીર ભર્યો જ રહ્યો છે. અહી દરેક પૂજનીય પથ્થરમાં પોતાનો આગવો ઇતિહાસ છુપાયેલો છે. ત્યારે ઝાલાવાડની આ ખમીરવંતી ભૂમિ પર ધ્રાંગધ્રા વર્ષોથી વસેલું છે જેનું નામ જ પથ્થરની ભૂમિ પરથી પાડવામાં આવ્યું છે. “ધ્રાંગ” એટલે કે પથ્થર અને “ધરા” એટલે કે ભૂમિ જેનો મતલબ થાય છે કે પથ્થરોની ભૂમિ ! ધ્રાંગધ્રા માત્ર ઝાલાવાડ અથવા ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ અને વિદેશમાં પથ્થર માટે જાણીતું છે. કહેવાય છે કે આજેય રાજ્યના અનેક સ્થળો પર ધ્રાંગધ્રા પથ્થરમાંથી બનેલો ઘંટુલો (અનાજ દળવાની ચક્કી) સાચવીને રાખવામાં આવ્યા છે. આ સાથે યુ.એસ.એના વાઇટ હાઉસમાં તથા ઇંગ્લેન્ડ મહારાણીના મહેલમાં જે મૂર્તિઓ છે તે ખાસ ધ્રાંગધ્રા પથ્થરથી નિર્માણ થયેલ છે આ સાથે રાજ્ય અને દેશના સુપ્રસિદ્ધ મંદિરો જેમકે સોમનાથ, દ્વારકાધીશ, સૂર્ય મંદિર સહિતના મંદિરોમાં ધ્રાંગધ્રા પથ્થરનો ઉપયોગ થયો છે એટલું જ નહિ પરંતુ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ એટલે કે જામા મસ્જિદમાં પણ અહીંના પથ્થરનો ઉપયોગ થયો છે. ધ્રાંગધ્રા પથ્થર કોઈપણ તાપમાનમાં ટકી શકે છે અને વર્ષો સુધી ખરાબ નથી થતો સાથે જ ખૂબ જ મજબૂત હોવાની વિશેષતાના લીધે વર્ષો સુધી ઇમારતો ટકાવી રાખવા ધ્રાંગધ્રા પથ્થરની પસંદગી કરવામાં આવે છે.
ધ્રાંગધ્રા પંથકના પેટાળમાંથી નીકળતો પથ્થર ત્રણ સ્વરૂપમાં નીકળે છે જેમાં એક રેતાળ એટલે કે સફેદ, પીળો અને એક ગુલાબી રંગનો દેખાય છે. ખાસ કરીને મોટાભાગે પથ્થરનો ઉપયોગ મંદિરો બાંધવામાં અને ભગવાનની પ્રતિમા બનાવવામાં થતો હોય છે. ધ્રાંગધ્રાના પથ્થર જગવિખ્યાત હોવાથી અહી પથ્થરથી જોડાયેલા કારીગરો પણ પોતાની રોજી રોટી ચલાવે છે. આ પથ્થરનો વ્યવસાય અનેક મજૂર વર્ગ અને તેના પરિવારને રોજગારી આપી દિવસની ભુખમાંથી છુટકારો આપે છે. પરંતુ આ ગરીબ અને મજૂર પરિવારોની રોજગારી પાછળ એવા લોકો પણ છે જે ગરીબોના લોહી ચૂસવાની સાથે જમીનમાં રહેલો અમૂલ્ય અને કીમતી ખનીજનો ખજાનો વર્ષોથી લૂંટી રહ્યા છે. જેઓ વર્ષોથી પથ્થરનું ખનન કરી આજે લગઝુરિયસ મકાન અને ગાડીઓના માલિકો બની બેઠા છે. જેઓએ ગુજરાત સરકાર અને કુદરતી દેન સાથે ચેડાં કરી પોતાના ઘર ભર્યા છે…(ક્રમશ)