દરેક ગામમાં જલમંદિરનું નિર્માણ થાય, લોકો જળસંચયનું મહત્ત્વ સમજે તે જરૂરી છે: દિલીપભાઈ સખીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
‘પાણીની અછતના પરિણામે સૌરાષ્ટ્રના ગામડાઓ ખાલી થઈ ગયા છે અને ખાલી થઈ રહ્યા છે ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચયની ઝુંબેશના પરિણામે ગામડાઓ ફરીથી ધમધમતા થાય તે દિવસો દૂર નથી, સમાજ ઉપયોગી સારું કામ કોઈ દિવસ અટકતું નથી તેમ આવા સેવાકાર્યને કોઈ અડચણો પણ આવતી નથી. ગીરગંગાની જળસંચય માટેની અવિરત પ્રવૃત્તિ આજ અને આવતીકાલની પેઢી માટે પણ અનિવાર્ય છે’ તેમ ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલે જણાવ્યું હતું.
- Advertisement -
નરેશભાઈ પટેલે વિખ્યાત તત્ત્વચિંતક, કવિ અને કથાકાર ડો. કુમાર વિશ્ર્વાસની જલકથાના અનુસંધાને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાલાવડ રોડ પરના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું લક્ષ્ય 1,11,111 જળ સ્ટ્રકચરો તૈયાર કરવાનું છે પરંતુ આ કામ સમાજ માટે અનિવાર્ય છે ત્યારે લક્ષ્ય વગર જળસંચય જાગૃતિ અને જળસંચયનું કામ નિરંતર થતું રહેવું જોઈએ. આવતી પેઢી પણ આ કામને આગળ વધારે તે અનિવાર્ય છે. તેમણે ગીરગંગાના જળસંચયના કાર્યામાં તમામ રીતે ઉપયોગી થવા માટે ખોડલધામ ટ્રસ્ટ વતી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી તા. 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન દરરોજ રાત્રે 8થી 12 દરમિયાન વિશ્ર્વવિખ્યાત કવિ, તત્ત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્ર્વાસની ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં જળસંચયની અનિવાર્યતા અંગે જાગૃતિ લાવવાનો અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના 1,11,111 જળ સ્ટ્રકચરો તૈયાર કરવાના લક્ષ્યને વેગ આપવાનો છે. કથાના માધ્યમથી ડો. કુમાર વિશ્ર્વાસ શ્રીકૃષ્ણની શ્યામ કથાની સાથે જળસંચયનું મહત્ત્વ પણ વણી લેશે. આ કથામાં લગભગ દોઢ લાખ શ્રોતાઓ ઉપસ્થિત રહે તેવી ધારણા છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ આ પ્રસંગે ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્રના ગામે-ગામ જલમંદિરોનું નિર્માણ થાય અને લોકો જળસંચયના મહત્ત્વ અંગે જાગૃત બને તે હેતુથી ડો. કુમાર વિશ્ર્વાસની ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન કરાયું છે. માણસ જેટલું પાણી વાપરે છે તેટલું પાણી બચાવતો પણ થાય એ આજના સમયની માંગ છે. જળસંચય માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની ટીમ અથાગ પ્રયાસો કરી રહી છે અને ડો. કુમાર વિશ્ર્વાસની જલકથા આ પ્રયાસોનો એક ભાગ છે.
- Advertisement -
દિલીપભાઈએ નિર્દેશ કર્યો હતો કે જલકથા પૂર્વે જનજાગૃતિના ભાગરૂપે ભારતભરની 111 પવિત્ર નદીઓનું પાણી રાજકોટ લવાશે. નદીઓના આ જળને એકઠું કરવા માટે ગીરગંગાના શુભેચ્છકો અને કાર્યકરોએ વિવિધ રાજ્યો અને નદીઓ તરફ દિવસો પહેલા પ્રયાણ કરી દીધું છે. કથા સ્થળે યજમાન દંપતિઓ આ નદીઓના પવિત્ર જળનું શાસ્ત્રોક્ત રીતે પૂજન કરશે. આ પૂજનમાં બેસવા માટે પણ યજમાને દંપતિઓને તેમણે અપીલ કરી હતી.
આ પૂર્વે કાર્યક્રમના પ્રારંભે ગીતાંજલિ કોલેજના સંચાલક અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રણી શૈલેષભાઈ જાનીએ જણાવ્યું હતું કે સમગ્ર જીવસૃષ્ટિને જીવંત રાખવા માટે જળસંચયનો કોઈ વિકલ્પ નથી. ડો. કુમાર વિશ્ર્વાસની જલકથાના માધ્યમથી જળસંચયનું આ જનઆંદોલન વધુ વેગવંતુ બનાવવાનો આ પ્રયાસ છે, જેમાં આગેવાનો, વિવિધ જ્ઞાતિના અગ્રેસરો, અનેકવિધ સંસ્થાઓ સહિત સૌ કોઈના તન, મન અને ધનથી સહયોગ અનિવાર્ય છે અને આ સહયોગથી જ જળસંચયના યજ્ઞનો દિપ વધુ પ્રજ્વલિત બનશે. આ પૂર્વે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ તેમજ આગેવાનોએ ગીરગંગા પરિવાર નિર્મિત રાજકોટ આસપાસના વિવિધ ચેકડેમો અને જળસંચયના સ્ટ્રકચરોની પણ મુલાકાત લીધી હતી તેમજ તેઓ ગીરગંગાની પ્રવૃત્તિથી પ્રભાવિત થયા હતા.
કાર્યક્રમ અંતર્ગત ગીરગંગા પ્રેરિત વર્ણા બેન્ડ પાર્ટીના આગેવાન હાર્દિકભાઈ ચાંગાણી, પવિત્ર નદીઓનું જળ એકઠુ કરવાની જવાબદારી સંભાળતા ભાવેશભાઈ સખીયા, ગીરગંગાની મહિલા પાંખના અગ્રણી ડો. દેવાંગીબેન મૈયડ, ગીરગંગાના સમગ્ર એકાઉન્ટની સ્વૈચ્છિક જવાબદારી સંભાળતા ગીરીશભાઈ દેવડીયા વગેરેનું નરેશભાઈ પટેલના હસ્તે ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, જે. કે. સરધારા, વીરાભાઈ હુંબલ, સંજયભાઈ ટાંક, જગદીશભાઈ કોટડીયા, કિશોરભાઈ કાથરોટિયા, શિવલાલભાઈ બારસીયા, અશોકભાઈ ધામેલીયા વગેરે સહિત મોટી સંખ્યામાં ગીરગંગાના કાર્યકરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.



