માધાપર બ્રિજની કામગીરી નબળી, ધીમી અને બેદરકારીભરી
અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયો
આજી ડેમ પાસે બે વર્ષ પહેલાં બ્રિજ ધરાશાયી થતાં પ્રાણ ગુમાવનાર યુવાનોને હજુ ન્યાય મળ્યો નથી
ખાસ-ખબર સંવાદદાતા
માધાપર બ્રિજનાં બાંધકામમાં ચાલતી લોલંલોલ થોડાં દિવસ પહેલાં જ બહાર આવી ચૂકી છે. બ્રિજનો એક હિસ્સો પડ્યો પણ સદ્ભાગ્યે જાનહાનિ ન થઈ. પરંતુ બ્રિજની આ નબળી કામગીરી અન્વયે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ક્યારે અને કેવાં પગલાં લેવાશે એ વિશે તંત્રએ કોઈ જ જાહેરાત કરી નથી. દરમિયાન આજે પણ બ્રિજની અસ્તવ્યસ્ત અને રેઢિયાળ કામગીરીને લીધે આજે એક યુવાને પ્રાણ ગુમાવવા પડ્યા છે.
- Advertisement -
પડધરીનાં 30 વર્ષીય યુવાન બશીરખાન મજીરખાન બ્લોચ કોઈ કારણસર પોતાનાં મિત્ર અલ્તાફ માંડવિયા (ઉ.વ.35) સાથે રાજકોટ આવ્યા હતા ત્યારે બપોરે બે વાગ્યે માધાપર ચોકડી ખાતે એક ડમ્પર ચાલકે તેમનાં બાઈકને હડફેટે લેતાં બશીરખાનનું સ્થળ પર જ મોત થયું હતું અને તેનાં મિત્ર અલ્તાફને ઈજાઓ થતાં સિવિલ હોસ્પિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
માધાપર બ્રિજ ખાતે બ્રિજની કામગીરી તો નબળી છે જ, કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ત્યાં અવ્યવસ્થા પણ ખૂબ સર્જાય છે. આવી સ્થિતિને લીધે વાહનો કાબૂ બહાર દોડે છે.
ઉલ્લેખનીય છે કે, બે’ક વર્ષ પહેલાં આજી ડેમ ચોકડી ખાતે બ્રિજનો એક ભાગ ધરાશાયી થતાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં. એ બંને મૃતકનાં પરિવારને આજ સુધી વળતર નથી મળ્યું. માધાપર ચોકડી ખાતે પણ બ્રિજની રેઢિયાળ કામગીરીને કારણે જો કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની હશે?