ટ્રાન્સપરન્ટ ડીસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન બનાવી તેની પેટન્ટ મેળવતા રાજકોટના યુવા મિત્રો કાર્તિક સુરૂ અને જીગર પંચાલ
રાજકોટની એ.વી.પી.ટી. ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી અંતર્ગત કાર્યરત ડીઝાઇન રીજીયોનલ સેન્ટરના યુવાઓની અનેરી સિધ્ધિ
રાજકોટ : ગુજરાતે હર હંમેશ દેશ અને દુનિયાને કઈંક નવું આપ્યું છે, પછી તે ઔદ્યોગિક ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, માનવજાતના વિકાસ માટે હોય કે પછી વિજ્ઞાન અને ટેકનોલોજીનું ક્ષેત્ર હોય. આ ભૂમિમાં જન્મેલા લોકોએ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, એટલું જ નહી પરંતુ માવજાતને કઈંક નવી ભેંટ પણ આપી છે. ગુજરાતને ગૌરવ અપાવે તેવા આવા જ અદકા કાર્યનું કેન્દ્રબિંદુ બન્યું છે, સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ઓળખાતું રાજકોટ.
ગુજરાત સરકાર દ્વારા યુવાઓમાં રહેલા કૌશલ્યને બહાર લાવી તેને સ્વરોજગાર તરફ વાળવાના પ્રયાસોના પરિપાક સ્વરૂપે રાજકોટ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સરકાર માન્ય એ.વી.પી.ટી. ઈન્સ્ટીટ્યૂટ કાર્યરત છે. અભ્યાસ કરતાં યુવા મિત્રો કાર્તિક સુરૂ અને જીગર પંચાલે સાયન્સ ફિક્શન મુવીમાં વારંવાર પ્રદર્શિત થતું ડિવાઇસ જેને ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોન અથવા ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે ડિવાઇસ કહેવામાં આવે છે. તેનાથી પ્રભાવિત થઈને તેમના કૌશલ્ય થકી ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન બનાવી, તેની પેટન્ટ મેળવીને માત્ર રાજકોટવાસીઓનું જ નહી પરંતુ સમગ્ર ગુજરાતીઓનું મસ્તક ગૌરવથી ઉંચુ કર્યું છે. તેમનો આ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈનનો વિચાર આગામી દિવસોમાં અમલમાં મૂકાશે ત્યારે માત્ર રાજકોટ કે ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશવાસીઓનું ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનનું સ્વપ્ન સાકાર થશે.
- Advertisement -
તેમની આ સિધ્ધિની વાત કરતાં કાર્તિક સુરુ કહે છે કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના રાજકોટ ખાતે આવેલ જી.ટી.યુ. ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અંતર્ગત અમારા આ આઈડિયાને પેટન્ટ માટે એપ્લાય કરવા સ્ક્રીનિંગમાં મંજૂરી મળતાં અમને રૂપિયા ૨૫,૦૦૦ ની સહાય આપવામાં આવી. આ સહાયની મદદથી અમે બંનેએ અમારા આ સ્ટાર્ટઅપની ભારતમાં પેટન્ટ માટે “એલિમેન્ટલ ગ્રીન ટેક” દ્વારા એપ્લિકેશન કરતાં અમારી આ પેટન્ટને ભારત સરકારની પેટન્ટ ઓફિસ દ્વારા પ્રકાશિત થતી પેટન્ટ જર્નલમાં તા. ૦૬/૦૮/૨૦૨૧ ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે, જેનો અમને ખૂબ આનંદ છે.
અમે આ પ્રકારના ડિવાઇસની ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઇન રજીસ્ટ્રેશન માટે એપ્લીકશન પણ કરી છે. તેમ જણાવતાં કાર્તિક સુરુ કહે છે કે, અમારા એલિમેન્ટલ ગ્રીન ટેકને પેટન્ટ ફાઇલિંગ માટે એ.વી.પી.ટી.આઈ.ના પ્રિન્સિપાલ ડો. એ. એસ. પંડ્યા અને કો-ઓર્ડીનેટર આર.ડી.રઘાણીનું ટેકનિકલ ગાઈડન્સ અને મેન્ટરીંગ સપોર્ટ પણ સારો મળ્યો છે.
- Advertisement -
નોંધનિય છે કે, એલિમેન્ટલ ગ્રીન ટેક દ્વારા રજીસ્ટર કરાયેલ પેટન્ટમાં હાલની ટેકનોલોજીની મર્યાદાને ધ્યાનમાં લઈને અશક્ય ગણાતા કાર્યને શક્ય બનાવીને ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. તેના પરિણામે ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં ઘટાડાની સાથોસાથ સ્માર્ટ ફોનને લગતા ઘણા પ્રશ્નોનો ઉકેલ મળશે. અને સૌ પ્રથમવાર ફુલ્લી ફંકશનલ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોન બનાવવું હવે શક્ય બનશે. આ ડિઝાઈનથી સ્ક્રીન પારદર્શક, એટલું જ નહી પરંતુ આ ડિવાઇસ જોવામાં પણ આકર્ષક લાગશે. આ યુવાઓ દ્વારા બનાવવામાં આવેલ આ ડીઝાઈનમાં ફોનના કોમ્પોનન્ટ્સને બે ભાગમાં વિભાજીત કરાયા છે. આ પ્રકારની ગોઠવણીના લીધે બે અલગ અલગ મોડયુલ્સ બનાવવામાં આવ્યા છે. જે સામાન્ય સ્માર્ટફોન તરીકે અને જયારે અલગ કરવામાં આવે ત્યારે પારદર્શક ડિસ્પ્લે સ્માર્ટફોન બની જાય છે. જ્યારે આ ફોન ટ્રાન્સપરન્ટ મોડમાં હશે ત્યારે ડિસ્પ્લે મોડ્યૂલની Head SAR Value (રેડિએશન) નહિંવત હશે.
હાલના સમયમાં ઈ-વેસ્ટ કે જે રિસાયકલ અથવા નષ્ટ કરવામાં ખુબ જ અઘરું છે, અને એટલે જ તે માનવજાત માટે ખૂબ મોટો પડકારરૂપ પણ બન્યું છે. તેવા સમયમાં ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન મુજબ સ્માર્ટફોન ઈ-વેસ્ટમાં નોંધપાત્ર ઘટાડો કરશે. પરિણામ સ્વરૂપે પર્યાવરણમાં થતા પ્રદુષણમાં ઘટાડો થશે છે. એેટલું જ નહી પરંતુ ભવિષ્યમાં ખુબજ ઉપયોગી એવી AR (Augmented Reality) અને VR (Virtual Reality) ટેકનોલોજીને આ પ્રકારના ડિવાઇસના લીધે વધુ સારી રીતે અમલ કરી શકાશે.
ગુજરાતની ખ્યાતી આજે દેશના સિમાડાઓ વટાવી વિશ્વમાં ફેલાઈ રહી છે. છેલ્લા બે દાયકાના ગુજરાતના સર્વાંગી વિકાસના કાર્યોના પરિણામે આજે રાજ્યના નગરોની સાથે મહાનગરો પણ વિકાસક્ષેત્રે અગ્રેસર બન્યા છે, જેના પરિણામે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની સૂચિમાં અમદાવાદ, સુરતની સાથે રાજકોટનો સમાવેશ પણ થયો છે. વિકાસશિલ મહાનગર તરીકે રાજકોટને મળેલા આ ગૌરવની સાથે વૈશ્વિક કક્ષાએ આપણને રાજકોટવાસી તરીકે ગૌરવ થાય તેવી અનેરી સિધ્ધિનું રાજકોટને કેન્દ્રબિંદુ બનાવવા અન્યોથી એક ડગલું આગળ વધેલા રાજકોટના આ યુવાઓએ ટેકનોલોજીને માધ્યમ બનાવી ગુજરાતના યુવાઓને જોબ સિકરના બદલે જોબ ગીવર બનવાનો પ્રેરક સંદેશ પૂરો પાડયો છે.