તા.૫ દાઉદી વ્હોરા સમાજ આગામી તા.૮ ઓગષ્ટને રવીવારના રોજ સાંજે પોતપોતાના ગામોના ઘરે ઘરે નમાઝ અદા કરી નવા વર્ષની ઉજવણી કરશે.
આ અંગે રાજકોટ, ભાવનગર, જામનગર, બોટાદ, મોરબી, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથ, જસદણ સહિતના જિલ્લા તાલુકા મથકોના સૌરાષ્ટ્રભરના વ્હોરા બિરાદરોમાં રૂહાની થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
ઈસ્લામી મીસરી કેલેન્ડર મુજબ તા. ૯ ઓગષ્ટના રોજ હિજરી સન ૧૪૪૩ની શરૂઆત થતી હોય આ દિવસો દરમિયાન શોકનો માસ મોર્હરમ શરૂ થતો હોવાથી રવીવારે સાંજે દેશ અને દુુનિયાભરના વ્હોરા બિરાદરો સાંજે પોતપોતાના ઘરોમાં મસ્જિદોમાં ખાસ વ્હોરા ડીઝાઈન વાળા વસ્ત્રોમાં મગરીબ-ઈશાની નમાઝ અદા કર્યા બાદ અલ્લાહ સમક્ષ દેશ-દુનિયામાં કોરોનાની મહામારી નાબુદ થાય. બિમારીને જલ્દી શીફા મળે અને પોતાના માનવતાવાદી પરોપકારી ધર્મગુરૂ ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્લ ‘સૈફુદીન’ (ત.ઉ.શ.)ના સ્વાસ્થ્ય અને દીર્ધાયુ અંગે દુઆ પ્રાર્થના કર્યા બાદ રૂબરૂ ફોન સહિતના અનેક માધ્યમો દ્વારા નવા વર્ષની ખાસ મુબારકબાદી પાઠવી, રાત્રીના મધમધતી મીઠાઈઓ, ચટાકેદારવ્યંજનો, ફ્રુટ ડ્રાયફ્રુટ્સ, આઈસ્ક્રીમો, ફાલુદા અને નારીયેળ જેવા અનેક ખાદ્ય પદાર્થોનો થાળ ભરી સજાવી રાત્રીના સામુહિક ભોજન પરિવાર સાથે કરશે.
- Advertisement -
રવીવારે સાંજે નવા વર્ષની ઉજવણી બાદ મંગળવારથી વ્હોરા સમાજના ઘરે ઘરે અને મસ્જિદોમાં કરબલાની ગાથાનું જીવંત પ્રસારણ માણશે અને જેમાં નવ દિવસ સુધી વ્હોરા બિરાદરો પોતાના ધંધા રોજગાર બંધ પાળી શોક મનાવશે. નોંધનિય છે કે કોરોના વાયરસની મહામારીને લઈ સૈયદના દ્વારા આ વર્ષે અનેરૂ આયોજન થયું છે. જેમાં ગામે ગામ વ્હોરા સમાજને એક ટંકનું ભોજન પ્રસાદ રૂપે અને વાએઝનું જીવંત પ્રસારણ પણ ઘરે ઘરે અને મસ્જિદો હોલમાં ગોઠવાયું હોવાનું જાણવા મળેલ છે. મોહરમ માસના આ નવ દિવસ વ્હોરા સમાજ સરકારની કોરોના ગાઈડલાઈનનું અક્ષરક્ષ પાલન કરશે પવિત્ર મોહરમ માસને લઈ હુશેની રંગમાં રંગાઈ જવા વ્હોરા બિરાદરોમાં અનેરો થનગનાટ પર્વતી રહ્યો છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ