ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં માતુશ્રી મોંઘીબા ગલ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 59 જેટલી વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવતી સાયકલો બે વર્ષથી આપવામાં ન આવી હોવાની વિગતો સામે આવી છે. ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 8 પાસ કરી ધોરણ 9 માં પ્રવેશે તેવી વિદ્યાર્થિનીઓ માટે આ યોજનામાં સરકાર દ્વારા સાઇકલ આપવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થિનીઓને શાળાએ જવામાં મુશ્કેલી ના પડે અને તેઓ અભ્યાસ કરી શકે. માટે આ સાયકલ આપવામાં આવે છે. પરંતુ સરકારના જવાબદાર અધિકારીઓની લાપરવાહીથી જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓને સાયકલ મળતી નથી ત્યારે રાજકોટ જીલ્લાના યાત્રાધામ વીરપુરમાં મોંઘીબા ગલ્સ હાઈસ્કૂલમાં વીરપુર તેમજ આજુબાજુના કાગવડ ,થોરાળા,જેપુર સહિતના ગામડાઓ માથી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા માટે વીરપુર આવે છે
- Advertisement -
પરંતુ આ વિદ્યાર્થીનીઓને સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવતી સાયકલો ગયા વર્ષની તો નથી મળી પરંતુ આ ચાલુ વર્ષની પણ સાયકલો હજુ સુધી મળી નથી, સામાન્ય રીતે આ યોજનાની સાયકલો જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં વિતરણ કરી આપવામાં આવતી હોય છે પરંતુ ગયા વર્ષની અને ચાલુ વર્ષની એમ બે વર્ષથી વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી નથી જેમને લઈને વીરપુર અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીનીઓને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે વિદ્યાર્થીની ઓને સાઇકલો વિતરણ ન કરી હોવાનો બેવર્ષ ઉપરનો સમય વીતી ગયો છતાં વિદ્યાર્થીઓને અપાઇ નથી તેથી આર્શ્ચય થઇ રહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે મોટાપાયે ચાલતી લોલમલોલ અને પોલમપોલની અનેક ચર્ચાઓ લોકોમાં ઉઠવા પામી છે.
જવાબદારીમાંથી છટકવા પ્રયાસ
સાયકલ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દિક્ષિત પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે તમે શિક્ષણ વિભાગને પુછો છો તમારે સમાજ કલ્યાણ વિભાગને પૂછવું પડે તેવો જવાબ આપીને પોતાની જવાબદારી થી હાથ ઊંચા કરી દીધા હતા કારણ કે વિદ્યાર્થીનીઓને સાયકલો મળી છે કે નહીં તે જવાબદારી કયાંકને ક્યાંક શિક્ષણ વિભાગના અધિકારીઓની પણ આવતી હોય છે ત્યારે સૌ ભણે અને આગળ વધે ની મોટી મોટી વાતોના બણગાં ફુકતી સરકારમાં વિદ્યાર્થીનીઓને બબ્બે વર્ષથી આ સાઇકલો વિતરણ કરવામાં આવી નથી તો કોઇ બહુ મોટું સાયકલ કૌભાંડ થયું હોય તેવી આશંકાઓ જણાઇ રહી છે.
બે વર્ષ થયાં છતાં સાયકલની ચકાસણી ચાલું!
વીરપુરમાં વિદ્યાર્થીનીઓને સાયકલ નથી મળી બાબતે સમાજ કલ્યાણ વિભાગ રાજકોટના અધિકારી જે.એ.બારોટ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હજુ એ સાયકલની ચકાસણી ચાલુ છે ગ્રીનકો તરફથી એ ચકાસણી થઈ જાય અને હોલમાર્ક લાગી જાય પછી હેન્ડઓવર કરસુ પછી વિતરણ ચાલુ કરસુ ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને અપાતી આ સાયકલો સરકારી ગોડાઉનમાં કે ખુલ્લા મેદાનોમાં ધૂળ ખાય રહી હોવાના અને પ્રજાના ટેક્સના પૈસે ખરીદાયેલી નવી નક્કોર સાયકલો ભંગાર બની જતી હોય છે. આવા કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવી અનેક યોજનાઓ લાભાર્થીઓને સમયે મળતી ના હોવાથી અધિકારીઓના પાપે સરકાર વગોવાય રહી છે.