‘જામી’ ભલે ગયા છે, પણ ચાહકોના હદયમાં ’જામી’ ગયા છે!
એમણે કાર્ટૂનમાં મોરારજી દેસાઈનું પેટ ફૂલાવી કરેલી
‘અચ્છે દિન’ ટાઈપની કોમેન્ટે લોકોને પેટ પકડીને હસાવેલા!
‘અચ્છે દિન’ ટાઈપની કોમેન્ટે લોકોને પેટ પકડીને હસાવેલા!
તુષાર દવે
કહે છે કે એક તસવીર એક હજાર શબ્દોની ગરજ સારે છે, પણ એક સારું વેધક કાર્ટૂન એક લાખ શબ્દો કરતાં પણ વધારે અસર પેદા કરી જતું હોય છે. એનું સૌથી મોટું ઉદાહરણ છે ઈમરજન્સીના સમયમાં કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમે બનાવેલું રાષ્ટ્રપતિ ફકરુદ્દિન અલી અહેમદનું કાર્ટૂન – જેમાં રાષ્ટ્રપતિને બાથટબમાં પડ્યાં પડ્યાં ઈમરજન્સીના પ્રસ્તાવ પર સહી કરતાં દર્શાવાયા છે. ઈમરજન્સી કેટલું જોખમી અને વણવિચાર્યું પગલું હતું એ પૂરવાર કરતાં લાખો લેખો એકતરફ અને એ એક કાર્ટૂન એકતરફ. ત્રીસેક વર્ષ પછી આજે પણ જ્યારે કોઈ ઈમરજન્સીને લગતું સાહિત્ય ફંફોસે ત્યારે આ કાર્ટુન નજર સામે આવ્યા વિના રહેતું નથી. ફકરુદ્દિને ઈમરજન્સીના પ્રસ્તાવ પર ખરેખર ક્યાં બેસીને સહી કરી હશે એ ખબર નહીં, પણ એમના એ કૃત્યની બેફિકરાઈ એટલી જ હતી જે એ કાર્ટુનમાં વેધક રીતે ઉડીને આંખે વળગે છે.
કાર્ટુન એટલે કે ઠઠ્ઠાચિત્રોમાં ગુજરાતમાં આવી જ મહારથ હાંસલ કરનારા કસબી એટલે જામનગરના આવદ બિન હસન ’જામી’. ગયા મહિને આપણે જેમને ગુમાવી દીધા એવા ‘જામી’ની જામગરીમાંથી લગલગાટ 45 વર્ષ સુધી સાંપ્રત વિષયો પરની રમૂજ અને ચીરી નાંખતો વેધક કટાક્ષ વછૂટતો રહ્યો હતો. ‘જામી’ કહેતાં કે, ‘કાર્ટૂન એ માત્ર હાસ્ય નથી, કાર્ટૂન ક્યારેક રડાવી પણ જાય.’ ખરી વાત છે એમની. રમુજ તો બાળવાર્તાઓ કે બાળ ચિત્રકથાઓમાં પણ હોય, પરંતુ એક કાર્ટુનિસ્ટના સર્જનમાં રમુજની સાથે કટાક્ષ પણ હોય છે અને કટાક્ષ એ રમુજ કે રમત નથી. કટાક્ષ તો રમુજ પેદા કરવાનું એક સાધન – એક ટુલ માત્ર છે. કટાક્ષ તો વેધક હોય. એ માત્ર હસાવી જ નહીં, પણ દઝાડી પણ જાણે. જનોઈવઢ ઘા કરે એ કટાક્ષ. કાર્ટુનના કટાક્ષમાં ભલભલા સામ્રાજ્યોના પાયા હચમચાવી દેવાની તાકાત રહેલી છે. ભારતીય સંસ્કૃતિનો સૌથી જૂનો અને જાણીતો કટાક્ષ કદાચ દૌપદીએ કરેલો. ‘આંધળાના છોકરા આંધળાં’ – એ એક કટાક્ષે આખું મહાભારત સર્જી નાંખ્યું. જેમાં કહે છે કે એક લાખ શ્લોક હતા. અને એટલે જ હું કહું છું કે જો એક તસવીર હજાર શબ્દોની ગરજ સારતી હોય તો એક વેધક કાર્ટુનમાં એક લાખ શબ્દો જેટલી અસર પેદા કરવાનું સામર્થ્ય રહેલું હોય છે.
- Advertisement -
કટોકટી ટાણે જેમ અબુ અબ્રાહમે રાષ્ટ્રપતિની ફિરકી લઈ નાંખેલી એ જ રીતે કટોકટી બાદ મોરારજી દેસાઈની સરકારને ‘જામી’એ પોતાની પિંછીનો ડામ આપ્યો હતો. મોરારજી સરકારે દસેક મહિનાના સમયગાળા બાદ પણ કોઈ કામગીરી ન કરી એટલે ‘જામી’એ મોરારજી દેસાઈનું એક કાર્ટૂન બનાવ્યું. જેમાં એમનું પેટ ‘ફૂલેલું’ હોય છે અને એ જોઈને એક નાગરિક કટ મારે છે કે, ‘હવે કોઈ સારા ડોક્ટરને બતાવો તો કંઈક પરિણામ આવે.’ જામીએ આ રીતે એમણે કાર્ટૂનમાં મોરારજી દેસાઈનું પેટ ફૂલાવી કરેલી ’અચ્છે દિન’ ટાઈપની કોમેન્ટે લોકોને પેટ પકડીને હસાવેલા!
2 ડિસેમ્બર 1942ના રોજ ધ્રોલમાં જન્મેલા જામીએ કાર્ટૂન્સ બનાવવાની શરૂઆત લગભગ ઓગણિસેક વર્ષની ઉંમરે ‘રંગતરંગ’ મેગેઝિનથી કરી હતી. એ પછી તેઓ સતત પ્રગતિ કરતાં રહ્યાં. ‘રંગતરંગ’ ઉપરાંત ‘જી’, ‘ચાંદની’, ‘ચકચાર’, ‘અંજલિ’, ‘બીજ’ જેવાં ગુજરાતી અને ‘ધર્મયુગ’, ‘માધુરી’, ‘પરાગ’ જેવાં હિન્દી સામયિકોથી માંડીને ’દિવ્ય ભાસ્કર’, ગુજરાત સરકારનું મેગેઝિન, ‘પાટીદાર સૌરભ’, ‘સંદેશ’, ‘જય હિન્દ’ અને ‘અભિયાન’ મેગેઝિન સહિતના પ્રકાશનોમાં કાર્ટૂન દોર્યાં. ‘અભિયાન’ મેગેઝિનની ‘તિકડમ’ કોલમના કાર્ટૂન્સે તેમને ખૂબ ખ્યાતિ અપાવી. 1993માં ’અભિયાન’ મેગેઝિને તેમને હેલ્પફૂલ સિટિઝનનો એવોર્ડ આપ્યો હતો અને 1994-95માં લાલકૃષ્ણ અડવાણી અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા તેમને શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કાર્ડિયાક સહિતની બિમારીઓ સામે લાંબો સમય ઝઝુમ્યા બાદ 11 જુલાઈ 2020ના રોજ તેમણે 77 વર્ષની ઉંમરે જામનગરની જી. જી. હોસ્પિટલના આઈ.સી.યુ.માં અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ પોતાના અંત સમય સુધી કોઈપણ સંજોગોમાં ‘શો મસ્ટ ગો ઓન’ના ન્યાયે પોતાની ડેડલાઈનને વફાદાર રહેતાં હતાં. વિવિધ પ્રકાશનોમાં જોવા મળતા એમના કોરોનાકાળના માસ્ક અને સેનિટાઈઝર્સ પરના કાર્ટૂન્સ જ એ વાતનો પૂરાવો છે. ગુજરાતના આ મહાન કાર્ટુનિસ્ટની વિદાય બાદ એમને સન્માનવામાં કદાચ આપણે થોડાં ઊણા ઉતર્યાં છીએ, પણ એમના ચાહકો માટે તો ’જામી’ આમ ગયા છે, પણ એમના હદયમાં તો ’જામી’ જ ગયા છે! જે કાયમ રહેશે.
- Advertisement -
‘કાર્ટુનિસ્ટને પત્રકાર કહેવાય કે નહીં? કાર્ટુનિસ્ટને પત્રકાર કેમ ન કહેવાય?’
કાર્ટૂનિસ્ટ અશોક અદેપાલના એક લેખમાંથી મળતી માહિતી મુજબ જામીએ એક ઈન્ટરવ્યૂમાં હૈયાવરાળ ઠાલવતાં કહેલું કે, ’જે અચ્છો કલાકાર હોય અને જેનામાં પત્રકારત્વની નજર પણ હોય એ કાર્ટુનિસ્ટ બની શકે, પણ કમનસીબે કાર્ટૂનિસ્ટને કોઈ પત્રકાર ગણતું નથી. મને પણ જે એવોર્ડ અપાયેલો એ હાસ્યની શ્રેણીમાં જ અપાયો હતો.’ જામીની વાત સાચી હતી. સાચી છે. કાર્ટૂન એ માત્ર હાસ્ય નથી કે હસી નાંખવાની કળા નથી. એક કાર્ટૂનિસ્ટે પણ લેખક-પત્રકારની જેમ સતત કરંટ અફેર્સથી અપડેટ રહેવું પડે છે અને નવા નવા વિષયોનો અભ્યાસ કરવો પડે છે.
દેવ ગઢવીને યાદ કરીને કહેતાં, ’હવે કોણ કાર્ટૂન બનાવે છે?’
ગુજરાતના કાર્ટૂનિસ્ટોમાં ’જામી’ને દેવ ગઢવી ગમતાં હતાં. એમને યાદ કરીને તેઓ કહેતાં કે, ’તેઓ તો સંગીત તરફ વળી ગયાં. ’વે કોણ કાર્ટૂન બનાવે છે?’ ભારતીય કાર્ટૂનિસ્ટોમાં સુધીર દર તેમના પ્રિય હતાં.
એક યુગનો અંત અને ભવિષ્ય અંધકારમય
જૂની પેઢીના અંતિમ કાર્ટૂનિસ્ટ ’જામી’ સાહેબની વિદાયથી ગુજરાતી કાર્ટૂનના એક યુગનો અંત આવ્યો છે અને હાલ ભવિષ્ય ખુબ અંધકારમય છે. હાલ ગુજરાતી મીડિયામાં આંગળીના વેઢે ગણાય એટલા જ કાર્ટૂનિસ્ટો સક્રિય હશે. ક્ષ અશોક અદેપાલ, કાર્ટૂનિસ્ટ