70 ગાયોની ગૌશાળા થકી 30 વિઘામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પિતા પુત્રની સાફલ્ય ગાથા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિની પૂજા. પ્રાકૃતિક ખેતી એટલે પશુ પંખી અને માનવીના આરોગ્યનું સંવર્ધન. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ ઘટે છે. પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે અને આ માટે જૂનાગઢ જિલ્લામાં ઝુંબેશના ભાગરૂપે અનેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. વિસાવદર તાલુકો આમ તો ગીર અને ગિરનારનાં વન પ્રદેશ વચ્ચેનો વિસ્તાર છે. અહીંનાં ખેડુતો ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વિસાવદરના સુખપુર ગામના ખેડૂત પિતા પુત્રની. સુખપુર ગામના હરિભાઈ સોજીત્રા અને મહેશભાઈ સોજીત્રા ગૌશાળાના નિર્માણ સાથે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. 70 વીઘા જમીનમાંથી 30 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા મહેશભાઈ સોજીત્રા જણાવે છે કે ગૌશાળામાં દેશી કુળની 70 ગાય રાખવામાં આવી છે. ગાયના ગૌમૂત્ર છાણ માંથી નજીવા ખર્ચે જીવામૃત બનાવી તેઓ ખેતી કરી રહ્યા છે.
- Advertisement -
પોતે કઈ રીતે જીવામૃત બનાવી રહ્યા છે તે અંગે જણાવ્યું કે પર્યાવરણનું નુકશાન તથા માનવ અને પશુ-પક્ષીઓને થઇ રહેલા નવા નવા રોગો દ્વારા થતા નુકસાનથી બચવા અને પ્રાકૃતિક ખાતરો ઘરે બનાવવા બહૂ જ સરળ છે જેમાં જીવામૃત, ઘન જીવામૃત, પંચગવ્ય દુધ-ગોળનાં મિશ્રણનો છંટકાવ, ખાટી છાસનો સમયાંતરે છંટકાવ સાથે કીટ નિયંત્રણ દવા તરીકે નીમાસ્ત્ર: રસ સૂચવા વાળી જીવાત માટે- ગૌમૂત્ર 5 લિટર , છાણ 1 કિલો , લીમડો 5 કિલો લઇ 100 લિટર પાણીમાં નાખીને 24 કલાક રાખવું ત્યારબાદ ગાળીને છાંટવું.મોટી ઇયળ અને બાકી જીવાત માટે ગૌમૂત્ર 10 લિટર , 3 કિલો લીમડો ,2 કિલો કરંજ, 2 કિલો સીતાફળ પાન , 2 કિલો બીલી પત્ર ,2 કિલો ધતુરાના પાન લઇ બધુ ભેગું કરીને ત્રણ ચાર ઉકાળા લઇને ગાળીને 48 કલાક રાખવું. 100 લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવું .કપાસ, ફળ વગેરેમાં રહેતી ઇયળો માટે ગૌમૂત્ર 10 લિટર 1 કિલો તમાકુ (વેસ્ટ હોય તે) , 500 ગ્રામ તીખા મરચા ,500 ગ્રામ લસણ ,5 કિલો લીમડાના પાન લઇ બધું મિક્ષ કરીને ચાર ઉકાળા લઇને ગાળીને 48 કલાક રાખવું. 100 લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવાની વિગતો આપી હતી. ગૌશાળા ને લીધે દૂધનું ઉત્પાદન થાય છે.વિસાવદર શહેરમાં સવાર સાંજ 60 લીટર શુધ્ધ ગાયનું દુધ અનેક પરિવારનાં બાળકોને પોષણ પુરુ પાડવા નિમિત્ત બને છે તેમ જણાવ્યું હતું.