હોસ્પિટલ ચોક બ્રિજના કામમાં 25 કરોડનો વધારાનો ખર્ચ
કુલ 54 જેટલી દરખાસ્ત માટે આશરે 71 કરોડથી વધુના ખર્ચને બહાલી આપતા સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન
પુષ્કર પટેલ
વોર્ડ નં. 11માં 24 કરોડના ખર્ચે વિકાસ કામો તથા વોર્ડ નં. 18માં 7 આંગણવાડી બનાવવા સહિતના કામોને બહાલી
આજરોજ મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલી સ્ટેન્ડિંગ કમિટિની કોન્ફરન્સ રૂમમાં મનપાની સ્ટેન્ડિંગ કમિટિની મીટીંગ ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં આજરોજ 54 જેટલી દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે. જેમાં વિકાસના કામો માટે રૂા. 71,66,12,987 મંજૂર કરવામાં આવ્યા છે તથા મનપાને ઉપહારગૃહ, વાહન સ્ક્રેપ વેચાણ અને પબ્લિક ટોયલેટની મળીને કુલ આવક રૂા. 17,97,155 થવા પામી છે.
આ સ્ટેન્ડિંગ કમિટિમાં વિકાસના કામો માટે કુલ રૂા. 71,66,12,987 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે તથા વોર્ડ નં. 11માં પાંચ કામો જેવા કે ડી.આઈ. નેટવર્ક, રસ્તાના કામો માટે કુલ 23,71,98,876 કરોડ રૂા.નો ખર્ચ તેમજ વોર્ડ નં. 18માં આંગણવાડી સહિત અન્ય ચાર રસ્તાના કામો માટે રૂા. 7,01,57,877નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
રાજકોટના હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામતા થ્રીઆર્મ ફ્લાય ઓવરબ્રિજમાં સિમેન્ટ, લોખંડના ભાવવધારાના 10 કરોડ અને વધારાની થયેલી કામગીરીના 14.89 કરોડ સહિત કુલ 25 કરોડનો વધારાનો ખર્ચ થયો છે. આ પ્રોજેક્ટ 43 ટકા ઓનથી મંજૂર કરાયો હતો અને 84.71 કરોડના ખર્ચે આ બ્રીજ તૈયાર થવાનો હતો પરંતુ બ્રિજના કામમાં ફેરફાર કરવામાં આવતાં વધુ 25 કરોડનો ખર્ચ વધતાં કોર્પોરેશનની તિજોરીને મોટો આંચકો લાગ્યો છે. વધુમાં ચાલુ કામે જવાહર રોડ પર ઠાકર હોટલ પાસે આવેલા વોંકળા ઉપર હયાત સ્લેબ કલ્વર્ટ જર્જરિત હાલતમાં જણાતા જૂનું સ્ટ્રક્ચર દૂર કરી નવું સ્ટ્રક્ચર બનાવવું જરૂરી હોય 29.012.0 મીટરનું આર.સી.સી. બોક્ષ કલ્વર્ટ બનાવવામાં આવ્યું છે જેનો 15 કરોડનો ખર્ચ વધવા પામ્યો છે. શહેરમાં હાલના સૌથી ગીચ ટ્રાફિક સર્કલ તરીકે ગણાતા હોસ્પિટલ ચોકમાં થ્રીઆર્મ ફ્લાય ઓવરબ્રિજ રૂા. 84.71 કરોડના ખર્ચે 8 નવેમ્બર 2019થી વર્કઓર્ડર આપી કામ ચાલુ કરાવવામાં આવ્યું છે. આ કામની મુદત 24 માર્ચ હતી પરંતુ રેલવે સરકારી હોસ્પિટલ વગેરેની જમીન સંપાદન તથા કોવિડ-19ના લોકડાઉનનો સમય ગાળો અને 2020 ચોમાસાનો સમયગાળો મળી 8 મહિના 12 દિવસ વધારાના મંજૂર કરવામાં આવ્યા હતા. આમ હવે આ કામ 19-7-2022ના પૂર્ણ થશે. આમ હવે રાજકોટમાં ચારે બાજુ બ્રિજના કામના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે ત્યારે અન્ય બ્રિજના કામમાં પણ મનપાએ વધારાનો ખર્ચ ઉપાડવાની તૈયારી રાખવી પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
- Advertisement -
મંજૂર થયેલી દરખાસ્તો
વોર્ડ નં. 11માં બી.આઈ. નેટવર્ક સહિત રોડ રસ્તાના કામ માટે કુલ ખર્ચ રૂા. 23,71,98,876નો
ખર્ચ મંજૂર
વોર્ડ નં. 18માં આંગણવાડી ઉપરાંત રોડ રસ્તાના કામો માટે કુલ ખર્ચ રૂા. 7,01,57,877નો ખર્ચ મંજૂર
રામવન ખાતે લાઈટિંગની ડીઝાઈન, ઈન્સ્ટોલેશન વગેરે માટે રૂા. 1,39,65,500નો ખર્ચ મંજૂર
રાજકોટ મનપાના સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ ઝોનના રસ્તાઓની સેન્ટ્રલ વર્ઝડ અને ટ્રાફિક જંકશન વગેરેની જાળવણી તથા ભૂગર્ભ માટે રૂા. 1,91,99,670નો ખર્ચ મંજૂર.
વોર્ડ નં. 13માં બાગ-બગીચા માટે રૂા. 26,96,064નો ખર્ચ મંજૂર
વોર્ડ નં. 4 અને વોર્ડ નં. 15માં વોર્ડ ઓફિસ માટે રૂા. 53,55,908નો ખર્ચ મંજૂર
કોવિડ-19 સંદર્ભે આર્થિક તબીબી સહાય માટે રૂા. 1,90,76,765નો ખર્ચ મંજૂર
ટોટલ વિકાસના કામો માટે રૂા. 71,66,12,987ના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.