ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
ઉનાળાની તપતી લૂ અને બળબળતી ગરમી બાદ આખરે સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ પધરામણી કરી છે અને ક્યાંક વધુ તો ક્યાંક ઓછો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે, પરંતુ એવા પણ કેટલાય વિસ્તાર છે જ્યાં લોકો પહેલા જ વરસાદમાં નાખુશ જોવા મળી રહ્યા છે. આકરા તાપ બાદ વરસાદના આગમનની રાહ તો કોને ન હોય? પરંતુ એ જ વરસાદ પહેલી જ વખતમાં વિનાશ વેરી નાખે તો !?
આવું જ કંઈક થયું મોરબીના મહત્વના વિસ્તાર ગણાતા લાતી પ્લોટમાં જી હા, સિઝનના પહેલા જ વરસાદે લાતી પ્લોટ 2 ની હાલત બદથી બદ્તર કરી નાખી છે. રસ્તાઓ પર ચાલીને તો શું વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે, તો અનેક કારખાનાઓમાં પાણી ભરાઈ ગયા છે, અનેક સરસામાનને નુકસાન પણ થયું છે. લાતી પ્લોટમાં પહેલા જ વરસાદમાં રોડ ભયંકર રીતે બેસી ગયો છે ત્યારે સૌથી પહેલા તો તંત્રની લાપરવાહી ભરેલી કામગીરી અંગે અનેક સવાલો ઉભા થઈ જાય છે. જાણે કે માત્ર વરસાદ નહીં પરંતુ વરસાદ સાથે ભૂકંપના આંચકા પણ આવી ગયા હોય તેમ રોડ પર મોટી મોટી તિરાડો પડી ગઈ અને જ્યાં નજર પડે ત્યાં કાદવ, કીચડથી લથબથ રસ્તાઓ જોવા મળે, છોટા હાથી જેવા વાહનો આ રોડમાં ફસાયેલા પણ નજરે ચડ્યા હતા. તો આવા રસ્તેથી ચાલીને કે બાઇક પર નીકળવાની તો વાત જ દૂર રહી. તો આ સમસ્યા આટલાથી જ પૂરી નથી થતી. વરસાદ વરસ્યો કે આ વિસ્તારના કારખાનાઓમાં પણ પાણી ઘૂસી ગયા અને અનેક સામાનને પણ નુકસાન થયું છે.
- Advertisement -
આવા સમયે મનપાના ડેપ્યુટી કમિશનર સોનીએ લાતી પ્લોટની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત પણ કરી હતી. જો કે, હાલમાં જ ગટરનું કામ કર્યું હોવાથી જમીન બેસી ગઈ હોવાનું કહી ડે.કમિશનરે તંત્રનો લૂલો બચાવ કર્યો હતો. આ સાથે જ મેટલ અને કાંકરી પાથરી તાત્કાલિક ધોરણે કામગીરી કરવાનો ડે. કમિશનરે સ્થાનિકોને વાયદો પણ કર્યો હતો. જો કે, હજુ તો આ ચોમાસાની શરૂઆત છે અને પહેલા જ વરસાદમાં લાતી પ્લોટની આવી દયનીય હાલત છે તો આખા ચોમાસા દરમિયાન બીજું શું શું સ્થાનિકોએ વેઠવું પડશે તે મુદ્દે હાલ સૌ કોઈ ચિંતિત છે.



