5 વર્ષથી રસ્તાઓની ખરાબ હાલતને લીધે પ્રજામાં નારાજગી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના કોઠારીયા ગામ પાછળના વિસ્તારમાં ઘણા ગામોને જોડતો મેઈન રોડ અને વિસ્તારમાં આવેલા રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી છે. વિસ્તારના મુખ્ય રસ્તાને બનાવવાની માંગ કાને ધરવામાં ન આવતાં પ્રજામાં ભારે નારાજગી ઉભી થઈ છે.
કોઠારીયા ગામ પાછળનો વિસ્તાર જાગનાથ મહાદેવ મંદિર જવા માટે રોડ, સ્મશાન રોડ, મેઈન રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. આ ખાડાઓ પુરવામાં ન આવતા રસ્તો દિન-પ્રતિદિન ખરાબ થઈ રહ્યો છે. રસ્તો કીચડનો રસ્તો બની રહ્યો છે. લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. 5 વર્ષથી આ રોડ-રસ્તાઓ ખરાબ હાલતમાં છે. વોર્ડ નં. 18માં વારંવાર અરજી કરવા છતાં પણ ધ્યાન આપવામાં આવેલ નથી. વિસ્તારમાં આવેલા જાગનાથ મહાદેવના મંદિરે જવા માટે ચાલીને જવું તો જાણે અશક્ય થઈ ગયું છે એટલો રસ્તો ખરાબ હાલતમાં છે. વાહનો લઈને જવું હોય તો પોતાના જીવના જોખમે જવું પડે છે. વારંવાર અરજી પછી એક વાર રસ્તો બનાવવા આવેલા પરંતુ એ રસ્તો અડધો બનાવ્યો અને બાકીનો રસ્તો હજુ પણ બિસ્માર હાલતમાં છે. અડધા બનાવેલ રસ્તામાં પણ હાલ વરસાદને લીધે ધોવાણ થઈ ગયું છે, ખાડા પડી ગયા છે અને વિસ્તારની અંદર આવતા રસ્તાઓ તો કીચડ-ગારાથી ભરપૂર ખરાબ થઈ ગયા છે. ડમ્પર જેવા મોટા વાહનોની અવરજવરને લીધે રસ્તાઓ વધુ ખરાબ થતાં જાય છે. લોકોની આ રસ્તાઓને નવા અને મજબૂત બનાવે તેવી પ્રાથમિક માંગ છે.