પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે ઉદ્યોગકારો, વેપારીઓ માટે ગટરની સમસ્યા માથાનો દુખાવો !
રજૂઆતો કરી કરીને સ્થાનિકો કંટાળ્યા પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી !
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઓદ્યોગિક વિસ્તાર એવા લાતી પ્લોટ વિસ્તારની હાલત અતિ ગંભીર બની ગઈ છે. ખુલ્લી ગટરના ઢાંકણા અને ઉભરાતી ગટરના કારણે લાતી પ્લોટના વેપારીઓ અને રાહતદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લાતી પ્લોટ શેરી નંબર 5-6 માં છેલ્લે આવેલ પટેલ ટાન્સપોર્ટની બાજુમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાઇ રહી છે જોકે આ અંગે વેપારીઓએ નગરપાલિકાને અનેક વાર મૌખિક રજુઆતો કરી છે પરંતુ નગરપાલિકાના કામદારો વાહન સાથે આવી ગટરમાંથી જેવા તેવા કચરાનો નિકાલ કરી જતા રહે છે. એટલું જ નહીં ઉભરાતી ગટરનાં ઢાંકણાને બંધ કરવાની પણ તસ્દી નથી લેતા તેવું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું.
મોરબીનો લાતીપ્લોટ વિસ્તાર વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યો છે પરંતુ દરેક વખતે માત્ર ઠાલા આશ્વાસન સિવાય કંઈ મળતું જ નથી. 1 થી 12 જેટલી ઉભી શેરીઓમાં ફેલાયેલો વિશાળ લાતીપ્લોટનો મેઈન રોડ હોય કે અંદરની શેરી, મોટાભાગની જગ્યાએ અવારનવાર ગટર ઉભરાઈ રહી છે. લાતીપ્લોટ મેઈન રોડ ઉપર ગટરના ગંદા પાણી ફેલાયેલા હોય અહીંથી હજારો વાહનો તેમજ બાજુની ટ્રાવેલ્સ ઓફિસોમાં આવતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ગંદા પાણી વચ્ચે ચાલવા મજબૂર બને છે. જો કે સ્થાનિક લોકો હવે ફરિયાદ કરી કરીને કંટાળી ગયા છે કારણ કે ફરિયાદ બાદ તંત્ર ઉપરછલ્લી સફાઈ કરતું હોવાથી મહિનામાં 25 દિવસ ગટર ઉભરાયેલી રહે છે. આથી કાયમી ઉકેલ માટે નક્કર કાર્યવાહીની સ્થાનિક લોકો, વેપારીઓ અને રાહદારીઓ માંગ ઉઠાવી રહ્યા છે. હાલ તો છ મહિના સુધી ઉભરાતી ગટરના કારણે લાતી પ્લોટ વિસ્તારના રોડ ઉભર ગટરના પાણી ફળી વળ્યા છે અને સાથે જ મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે જેથી આવનાર દિવસોમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ ફાટી નીકળે તેવી પણ દહેશત છે.