રાજકોટમાં વધુ એક મલ્ટિનેશનલ કંપની પ્લાન્ટ સ્થાપશે
કોકાકોલા કંપનીએ પણ રાજકોટ નજીક રૂ. 2000 કરોડનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કર્યા બાદ જમીનની માંગણી કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટને એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અટલ સરોવર જેવા પ્રોજેક્ટ મળવાના કારણે શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એવામાં તાજેતરમાં જ કોકાકોલા કંપનીએ પણ રાજકોટ નજીક રૂ. 2000 કરોડનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કર્યા બાદ જમીનની માંગણી કરી હતી. જેને પગલે ગઈકાલે કોકાકોલા કંપનીના અધિકારીઓ મેટોડા ખાતે સરકારી જમીનનું નિરીક્ષણ કરી ગયા છે.
ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાતને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં નવા-નવા પ્રોજેકટોની જાહેરાતો કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ વાયબ્રન્ટની જાહેરાત કરવામાં આવી છે. તેની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વાયબ્રન્ટ સમિટ પહેલા જ વર્લ્ડની જાણીતી કોકાકોલા કંપનીએ રાજકોટ નજીક 2000 કરોડનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી.
કોકાકોલા કંપની દ્વારા રાજકોટ શહેરની ભાગોળે કલેકટર તંત્ર પાસે જમીનની માંગણી કરી હતી. જે સંદર્ભે પડધરી, લોધિકા સહિતના સ્થળોએ સરકારી જમીન અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કોકાકોલા કંપની દ્વારા 70 એકર જગ્યાની માંગણી કરી હોય જેની સામે લોધિકાના મેટોડા નજીક 60 એકર સરકારી ખરાબો પડયો હોય. આ અંગે કોકાકોલા કંપનીના અધિકારીઓને નિરીક્ષણ કરવા જાણ કરવામાં આવી હતી.
ગઈકાલે કોકાકોલા કંપનીના અધિકારીઓ રાજકોટ આવ્યા હતાં અને તાલુકા મામલતદાર મકવાણાને સાથે રાખીને મેટોડા ખાતે આવેલ સર્વે નં.200 પૈકીનો 60 એકર સરકારી ખરાબાની જમીનનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. મેટોડા ખાતે આવેલ સરકારી ખરાબો ખાડા ટેકરા વાળો હોય જમીનનું લેવલીંગ કરાવવું પડે તેમ હોય જે અંગે નિરીક્ષણ કર્યા બાદ ટૂંક સમયમાં કોકાકોલા કંપની પોતાનો નિર્ણય જાહેર કરશે તેમ તેના અધિકારીઓએ જણાવ્યું હતું.