નરસિંહ મહેતા યુનિ.ની વિદ્યાર્થિનીએ દરિયાઈ જીવસૃષ્ટીનો અભ્યાસ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પીએચ.ડી.માં શોધસકોલર્સ તરીકે દરિયાકાંઠાની પ્રાણી પ્રજાતી પર શોધ કાર્ય કરતી ડિમ્પલ પ્રફુલભાઇ ડોડીયાએ અનેરી સિધ્ધી હાંસલ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રાણીશાસ્ત્ર એ પ્રાણીશાસ્ત્રના જ્ઞાન અને સિદ્ધાંતોનો વિવિધ ઉદ્યોગો અને વ્યવસાયો માટે વ્યવહારુ ઉપયોગ હોય જેમાં પ્રાણીઓની વર્તણૂક, વર્ગીકરણ, શરીરવિજ્ઞાન અને ઇકોલોજીનો અભ્યાસ અને સમજણનો સમાવેશ થાય છે અને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવા માટે આ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ કૌશલ્ય સંરક્ષણ, વન્યજીવન વ્યવસ્થાપન, પ્રાણી કલ્યાણ અને વધુને લગતા મુદ્દાઓને સંબોધવા માટે વૈજ્ઞાનિક સંશોધન, ડેટા વિશ્લેષણ અને જટિલ વિચારસરણીને જોડે છે.
- Advertisement -
બહાઉદ્દિન સાયન્સ કોલેજનાં ઝુલોજી વિભાગનાં પ્રાઘ્યાપક ડો. પરેશ પોરીયાનાં માર્ગદર્શનમાં દરિયાઇ પ્રાણીપ્રજાતિ ક્ષેત્રે શોધ કાર્ય કરતી કુ. ડિમ્પલ પ્રફુલભાઇ ડોડીયાએ પોતાનાં સાથી શોધસ્કોલર્સ છાત્રોનાં સંગાથે સૈા પ્રથમ વખત લોબીગર સેરાડીફાલ્સી નામની પ્રાણીની પ્રજાતીની ભારતનાં દરિયાકીનારે નોંધ લીધી છે. જે પ્રજાતી મૃદુકાય પ્રાણી સંપ્રદાયમાં આવે છે. અને એક વિશિષ્ટગ્રુપ તરીકે ઓળખાય છે. જેમાં દરીયાઇ શેવાળમાંથી ક્લોરોપ્લાસ્ટ સંગ્રહ કરીને પ્રકાશસંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયાને ક્લેપ્ટોપ્લાસ્ટી કહેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે, કે આ પ્રાણી અગાઉ માત્ર તુર્કી, ઈટાલી, ફ્રાન્સ, ગ્રીસ, ઇઝરાયેલના દરિયા કાંઠેથી જ નોંધાયેલી હોય, આ નોંધ ભારતની તેમજ ગુજરાતની દરિયાઈ જીવવિવિધતામાં એક મહત્વપૂર્ણ ઉમેરો બની રહેશે.
નરસિંહ મહેતા યુનિ.નાં વાઈસ ચાન્સેલર પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાએ શોધકર્તા વિદ્યાર્થીની કુ.ડિમ્પલ ડોડીયા અને તેમનાં માર્ગદર્શક ડો. પોરીયાને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતુ કે કુદરતે જૂનાગઢ જિલ્લાને વિશાળ સાગરતટ અને વૈવિધ્યસભર વનસૃષ્ટીની ભેટ ધરી છે ત્યારે નરસિંહ મહેતા યુનિ.નાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પીએચ.ડીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શોધક્ષેત્રે વણઓળખાયેલ પ્રાણી/વનસ્પતિ પ્રજાતીની ઓળખ પ્રસ્થસ્થાપિત કરવા બૃહદ અવકાશ રહેલ છે, ત્યારે યુનિ. દ્વારા આવનાર દિવસોમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠત્તમ શોધકાર્ય થકી યુનિ. ગુજરાતભરમાં અવ્વલ રહેશે.