ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈ- અમદાવાદ હાઈસ્પિડ રેલ પ્રોજેક્ટ- બુલેટ ટ્રેન હવે વાપીમાં અટકશે નહી. સડસડાટ આગળ વધીને છેક મુંબઈ સુધી પહોંચશે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેની સરકારનું પતન થતા વેંત દિલ્હીમાં આ પ્રોજેક્ટને જેટ વિમાનની ગતિએ આગળ વધારવા બેઠકોનો દોર શરૂ થયો છે.
ભારતના સર્વપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે દોઢ વર્ષ અગાઉ મુખ્યમંત્રી ઠાકરે એ જાહેરમાં વિરોધ કર્યો હતો. મહાવિકાસ અઘાડી સરકારે ગુજરાતની હદ પછી પોતાના રાજ્ય મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની પ્રક્રિયા બંધ કરતા ભારત સરકારે એક તબક્કે શરૂઆતના સ્તરે બુલેટ ટ્રેન અમદાવાદથી વાપી સુધી જ દોડાવવાની તૈયારી શરૂ કરી હતી. પરંતુ, હવે મહારાષ્ટ્રમાં જ ઠાકરે સરકારને બદલે ભાજપ સમર્થિત શિંદે સરકારની રચના થતા થાણે, મુંબઈ સહિતના જિલ્લાઓમાં જમીન સંપાદનની પ્રક્રિયા જેટ વિમાનની ગતિએ આગળ વધશે તે નિશ્ચિત થઈ ચૂક્યુ છે.