કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર: ‘કોરોનામાંથી સાજા થયા પછી 3 મહિના સુધી વેક્સીનનો કોઈ ડોઝ ન આપો’
દેશમાં અત્યારે કોરોનાની ત્રીજી લહેરે ખુબ તબાહી મચાવી છે. ત્યારે સરકાર દ્વારા હવે બાળકો અને કિશોરોને પણ કોરોના વેક્સીન આપવાની શરૂઆત કરાઈ છે. અત્યારે જેમણે કોરોનાની રસીના બે ડોઝ લીધા છે, તેમને કોરોનાના બૂસ્ટર ડોઝ પણ અપાઈ રહ્યા છે.
15 થી 18 વર્ષની વયના કિશોરો માટે કોવિડ- 19 રસીકરણ ગત તા. 3 જાન્યુઆરીથી શરૂ થયું હતું. આ ઉપરાંત, ફ્રન્ટ-લાઈન કામદારો, આરોગ્ય કર્મચારીઓ, અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે ગત તા. 10 જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ આપવાની કામગીરી શરુ કરાઈ છે.
- Advertisement -
દેશમાં અત્યારે કોરોનાના 20 લાખથી વધુ સક્રિય કેસ છે. જયારે બીજી તરફ, કોરોનાની ત્રીજી લહેર દેશમાં સતત કહેર મચાવી રહી છે અને ખુબ ઝડપથી આગળ વધી રહી છે. છેલ્લા 2 દિવસમાં 3 લાખથી વધુ કોરોના વાયરસના નવા કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગઈકાલે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,47,254 નવા કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે વધીને 3,85,66,027 થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 20,18,825 થઈ ગઈ છે, જે કુલ કેસના 5.23 % છે. દેશમાં ગત 235 દિવસમાં કોરોનાના સક્રિય કેસની આ સંખ્યા મહત્તમ છે. દેશમાં કોરોનાના સંક્રમણને કારણે વધુ 703 લોકોના મોત થયા બાદ આજે મૃત્યુઆંક વધીને 4,88,396 થઈ ગયો છે. દેશમાં કોરોનાના દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર ઘટીને 93.50 % થઈ ગયો છે.