‘વિના સંસ્કાર નહીં સહકાર’ના મંત્ર સાથે શતાબ્દી વર્ષની ઉજવણી; અઈં ટેકનોલોજી અને પારિવારિક મૂલ્યો પર અપાયું ભાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ અંતર્ગત સહકારી ક્ષેત્રના વિશાળ સંગઠન સહકાર ભારતી દ્વારા 11 જાન્યુઆરીના સ્થાપના દિવસે રાજકોટ મહાનગરમાં વિવિધ છ કાર્યક્રમો અને પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં યોજાયેલા 100 કાર્યક્રમોના ભાગરૂપે રાજકોટમાં અર્બન બેંક, ક્રેડિટ સોસાયટી, હાઉસિંગ સોસાયટી અને મહિલા પ્રકોષ્ઠ દ્વારા એક જ દિવસમાં સહકારિતાના સંસ્કારોને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે જ્યોતીન્દ્રભાઈ મહેતા અને આશિષભાઈ શુક્લ જેવા અગ્રણીઓએ પંચ પરિવર્તનને જીવનમાં વણી લેવા અનુરોધ કર્યો હતો.
અર્બન બેંક પ્રકોષ્ઠના કાર્યક્રમમાં મુખ્ય વક્તા નલીનભાઈ વસાએ ભારતીય સંયુક્ત પરિવાર પ્રથાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે પરિવાર સંસ્થા મજબૂત હશે તો જ દેશ સમૃદ્ધ બનશે. સહકાર વંદના કાર્યક્રમમાં નવીનભાઈ શેઠે કેન્દ્રમાં અલગ સહકાર મંત્રાલયની રચના અને આણંદમાં સહકાર યુનિવર્સિટીની શરૂઆતને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ ગણાવી હતી.
મહિલા અને હાઉસિંગ સોસાયટી પ્રકોષ્ઠ દ્વારા પણ આદર્શ સોસાયટી અને નાગરિક કર્તવ્ય પાલન અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સ્થાપના દિનની પૂર્વસંધ્યાએ યોજાયેલા વિશેષ સત્રમાં એ.આઈ. નિષ્ણાત યતીન ઉપાધ્યાયે ક્રેડિટ સોસાયટીઓના વહીવટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગિતા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે એ.આઈ. દ્વારા લાંબા પરિપત્રોનો ટૂંકો સાર અને સચોટ ડેટા વિશ્લેષણ મેળવી શકાય છે, જોકે ફેક મીડિયાથી સાવધ રહી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો પણ એટલો જ અનિવાર્ય છે. શિબિરમાં મુનિમજી સોફ્ટવેર દ્વારા આધુનિક એકાઉન્ટિંગ સિસ્ટમનું ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



