રાજકોટમાં બિલ્ડર્સની મૌન રેલી: જંત્રી વધારો પાછો ખેંચવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતનાં શહેરોમાં બિલ્ડરોનું વિરોધ પ્રદર્શન
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી સુચિત જંત્રીને લઇને બિલ્ડર લોબી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે રાજકોટ અને વડોદરામાં બિલ્ડર એસોસિએશન દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રાજકોટમાં મોટી માત્રામાં બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિલ્ડરો, શ્રમિક તથા બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા લોકો જોડાયા હતા. આગામી સમયમાં પ્રશ્રનું નિરાકરણ આવે એ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આજે સવારે 11 વાગ્યાની આસપાસ રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા જંત્રીમાં ભાવ વધારો સહિત વિવિધ મુદ્દાઓને લઇને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજકોટ બિલ્ડર એસોસિએશનના ચેરમેન પરેશ ગજેરા એ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ બાદ અમારા ઘણા બધા પ્રશ્નો અટકી ગયા છે. ખાસ કરીને પ્લાન પાસ થવા, ફિટનેસ સર્ટિફિકેટ, મહાનગરપાલિકાના તેમજ રૂડાના કોઈપણ કામ બિલ્ડરોના થતા નથી. તેમના કારણે અમારા ધંધા વ્યવસાયમાં ખૂબ જ અસર પડી છે અને હાલ બંધ જેવી હાલત જોવા મળી રહી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. જેની અસર અમારા ધંધા અને રોજગારને પડશે. જંત્રીમાં ભાવ વધારાના કારણે મકાનોના ભાવમાં પણ 30 થી 40 ટકા વધારો આવશે. તેમજ સામાન્ય લોકોના પણ આમની ભારે અસર પડશે. તેમ જ બિલ્ડરના વ્યવસાયમાં પણ જંત્રી વધારો કરવામાં આવશે તો ભારે અસર પડશે અને મંદીનો માહોલ પણ જોવા મળશે.