હળવદના માથક ગામની આ ઘટનામાં આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાના પતિએ જ દારૂ સંઘર્યો હોવાનો ઘટસ્ફોટ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના માથક ગામના ઝાંપા પાસે આવેલી આંગણવાડીના બાથરૂમમાંથી ગ્રામજનોને વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ગ્રામજનોએ દારૂનો આ જથ્થો પોલીસને સોંપ્યો હતો ત્યારબાદ પોલીસે તપાસ કરીને દારૂનો આ જથ્થો છુપાવનાર આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાના પતિ વિરુદ્ધ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના માથક ગામે આવેલ આંગણવાડીના સંચાલક સવારે આંગણવાડી ખાતે આવ્યા ત્યારે તેમને આંગણવાડીના બાથરૂમના દરવાજામાં તાળુ મારેલું જોતા શંકા ગઈ હતી જેથી તેમને ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી જેથી ગ્રામજનોએ ત્યાં પહોંચીને આંગણવાડીનું તાળુ તોડીને જોતા બાથરૂમમાંથી 11 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસે દોડી જઈને રૂ. 47,700 ની કિંમતની વિદેશી દારૂની 132 બોટલ કબ્જે કરી હતી.
પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બાજુની જ આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાના પતિએ આંગણવાડીના બાથરૂમમાં દારૂનો આ જથ્થો સંઘર્યો છે જેથી પોલીસે મહિલાના પતિ અનિલભાઈ ઉર્ફે અનકો પ્રભુભાઈ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.