સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રવીણકાકાને અપાઈ અવિસ્મરણીય અંજલિ
‘પ્રવીણકાકા એટલે સૌના શ્રેષ્ઠ મિત્ર, માર્ગદર્શક’ : ભૈયાજી જોશી
‘વ્યક્તિત્વ અને કર્તૃત્વને આધારે નેતૃત્વ મળતું હોય છે’ : વિજય રૂપાણી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ’પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસર વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગત રોજ તા. 22 સપ્ટેબરે સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન હેમુગઢવી હોલ ખાતે ઊજવવામાં આવ્યો હતો. ગ્રંથ પ્રાગટ્ય અવસરના આરંભમાં મંચસ્થ મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય બાદ મહેમાનોનો શાબ્દિક પરિચય અને ઋણ સ્વીકાર સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટના ચેરમેન તથા પ્રવીણકાકાના પુત્ર અપૂર્વભાઈ મણીઆરે કર્યો હતો. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાનીએ પ્રવીણકાકાના ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ સરકાર્યવાહજી ભૈયાજી જોશી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી જયંતીભાઈ ભાડેશીયા, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા અને રાજકોટના મેયર પ્રદિપભાઈ ડવ ઉપરાંત પ્રમિલાકાકી અને હંસિકાકાકી મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી તેમજ ભૈયાજી જોશી અને વિજયભાઈ રૂપાણીને શાલ અર્પણ કરી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૈયાજીના હસ્તે પ્રવીણકાકાના ધર્મપત્ની પ્રમિલાકાકીનું પણ શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
‘પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસરે વજુભાઈ વાળાએ મણીઆર પરિવાર રાષ્ટ્ર સમર્પિત પરિવાર છે એવું જણાવતા પ્રવીણકાકા સાથેના દસકો જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. દરેક વ્યક્તિ સાથેના પ્રવીણકાકાના વ્યક્તિગત પરિચય અંગે વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, કાકાને સૌ ઓળખતા અને કાકા સૌને ઓળખતા.
પ્રવીણકાકાના અવાજની બુલંદી સાથે પ્રવીણકાકાના વિચારોની બુલંદીની વિસ્તૃત રૂપરેખા પોતાના પ્રવચનમાં વજુભાઈ વાળાએ આપી ઉપસ્થિત સૌ કોઈને ભાવવિભોર કરી દીધા હતી. ત્યારબાદ જયંતીભાઈ ભાડેશીયાએ પણ પ્રવીણકાકાના વ્યક્તિત્વ અને કર્તૃત્વ વિષયક પ્રવચનમાં પ્રવીણકાકાએ મોરબી પૂર હોનારતમાં પ્રવીણકાકાની કામગીરીથી લઈ મોરબીમાં સરસ્વતી શિશુમંદિર સ્થાપવા સુધી મોરબીમાં પ્રવીણકાકાએ કરેલા વિવિધ વિકાસના કાર્યો અંગે જણાવ્યું હતું. જયંતીભાઈ ભાડેશીયાએ જણાવ્યું હતું કે, મીસા જેલવાસથી લઈ રામ મંદિર નિર્માણમાં પ્રવીણકાકાનું વ્યક્તિત્વ અને કર્તૃત્વ તેમના વક્તવ્ય અને વ્યવહારમાં પ્રદર્શિત થતુ હતું. પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ ગ્રંથ પ્રાગટ્ય અવસર કાર્યક્રમ દરમિયાન પ્રવીણકાકાના પૌત્રી શૈલજાબેન મણીઆરે પોતાના દાદા સાથેના સંસ્મરણોને યાદ કર્યા હતા. અને પછી દેશભક્તિના ગીતની રજૂઆત કરવામાં આવી હતી. દેશભક્તિ ગીત પ્રસ્તુતિ સમયે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા. દેશભક્તિ ગીત બાદ કાર્યક્રમની મધ્યમાં પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું.
રાજકોટને કર્મભૂમિ બનાવી ગુજરાત અને ગુજરાત બહાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદર્શોને પ્રગટાવનારા અને પ્રસરાવનારા આદરણીય પ્રવીણભાઈ મણીઆર – પ્રવીણકાકાના જીવન અને કાર્યનો પરિચય કરાવતા ગ્રંથનું લોકાર્પણ આદરણીય ભૈયાજી જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઈ-બૂકનું લોકાર્પણ આદરણીય વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રંથનું લોકાર્પણ કર્યા બાદ વિજયભાઈ રૂપાણીએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, વ્યક્તિત્વ અને કર્તૃત્વને આધારે નેતૃત્વ મળતું હોય છે. પ્રવીણકાકા કર્તૃત્વથી મુઠ્ઠી ઉચેરા માનવી હતા. માત્ર સંઘ કાર્યનો જ સ્વીકાર નહીં પરંતુ બાર એસોસિએશન, જૈનસંઘ, જનસંઘ, બેંક અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોના કાર્યોનો પ્રવીણકાકાએ સ્વીકાર કર્યો, જવાબદારી પોતાના શિરે લીધી હતી. ’પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ વ્યક્તિના નિર્માણ, કાર્યકર્તાના નિર્માણમાં એક આગવી ભૂમિકા ભજવશે, પુસ્તકમાંથી પ્રેરણા લઈ ભાવી પેઢી આગળ વધશે એવી આશા વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કરી પ્રવીણકાકા સાથેના અનુભવોને યાદ કર્યા હતા.
- Advertisement -
‘પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસર પ્રસંગે વિજયભાઈ રૂપાણીના પ્રવચન બાદ સરસ્વતી શિશુમંદિરની આચાર્ય બહેનો દ્વારા હૈ વહી પુરુષાર્થી જો.. ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતમાં ભૈયાજી જોશીએ પ્રવીણકાકાને શ્રેષ્ઠ મિત્ર, માર્ગદર્શક ગણાવી પોતાના પ્રવચનમાં સંઘના સ્વયંસેવક, સંઘના કાર્યો, સંઘના ધ્યેય, સંઘની નિષ્ઠા, સંઘની પ્રાર્થના વિશેની વિસ્તૃત વાત ઘટનાઓ અને પ્રસંગો સાથે કરી હતી. ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, પ્રવીણકાકા પોતાના સાથીઓને આગળ વધારનારા હતા. ’મૈ નહીં તું હી’ કહી તેમની સાથે રહેનાર વ્યક્તિત્વ એટલે પ્રવીણકાકા. સંઘપથ પર ચાલવા હદય, મન, બુદ્ધિથી જે પ્રમાણિકભાવ, નિસ્વાર્થભાવ, સમર્પણભાવ જોઈએ તે પ્રવીણકાકામાં હતો. પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ ગ્રંથ વર્તમાન તથા ભાવી પેઢીને ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવો વિશ્વાસ ભૈયાજી જોશીએ પ્રગટ્ય કર્યો હતો. ’પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસરના અંતમાં વંદે માતરમના ગાન બાદ સૌ કોઈએ પ્રવીણકાકા પરનો ગ્રંથ ભેટસ્વરૂપે મેળવી વિદાય લીધી હતી.
‘પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસરને સફળ બનાવવા સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર તથા મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની સહિત મંત્રી રમેશભાઈ ઠાકર, કોષાધ્યક્ષ અનીલભાઈ કિંગર, ટ્રસ્ટીશ્રીઓ ખંતીલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, પલ્લવીબહેન દોશી, કેતનભાઈ ઠક્કર, સહિત સમગ્ર સરસ્વતી શિશુમંદિર પરિવારના પ્રાધાનચાર્યો, આચાર્યો, વ્યવસ્થાપક ગણ વગેરેએ જહેમત ઉઠાવી હતી છે. ’પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસર પ્રસંગે બહોળી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એટલું જ નહીં પરંતુ સમગ્ર કાર્યક્રમના જીવંત પ્રસારણને ડિજીટલ માધ્યમમાં – સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર બહોળી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો.