તા.13 માર્ચ સુધી ચાલશે કસોટી: સામાન્ય પ્રવાહની પરીક્ષાના પેપર વચ્ચે સમય અપાતા વિદ્યાર્થીઓને તૈયારી કરવાનો સમય મળશે: તા.23 માર્ચે ગુજકેટ: સેમ્પલ પેપરો પણ જાહેર: વહેલી પરીક્ષાના પગલે એપ્રિલમાં આવશે પરિણામ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.16
- Advertisement -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12 (વિજ્ઞાન પ્રવાહ/ સામાન્ય પ્રવાહ)ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલ છે.દર વર્ષ કરતા આ વખતે બોર્ડની આ પરીક્ષા 13 દિવસ વહેલી એટલે કે તા.27 ફેબ્રુઆરીથી શરૂ થનાર છે. જે તા.13 માર્ચ સુધી ચાલનાર છે.શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં મુખ્ય પેપરો વચ્ચે સમય અપાતા વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે સમય મળી શકશે. ગત વર્ષે તા.11થી 26 માર્ચ દરમિયાન બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી.
જયારે આ વખતે સૌ પ્રથમવાર પરીક્ષા વહેલી શરૂ થનાર હોય બોર્ડની આ પરીક્ષાના પરિણામ પણ વહેલા જાહેર કરાશે.જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સંભવત એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ જાહેર કરી દેવાશે. જેથી કોલેજોની પ્રવેશ પરીક્ષા પણ વહેલા શરૂ થઈ શકશે.જેમાં ધો.10ની પરીક્ષા તા.27 ફેબ્રુ.થી 10 માર્ચ દરમ્યાન લેવાશે જેનો સમય સવારના 10થી બપોરના 1-15 કલાક સુધીનો રાખવામાં આવેલ છે. જયારે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા.27 ફેબ્રુ.થી 10 માર્ચ દરમિયાન લેવાશે જેનો સમય બપોરના 3થી સાંજના 6-30 કલાક સુધીનો રાખવામાં આવેલ છે. તેમજ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.27 ફેબ્રુ.થી 13 માર્ચ દરમિયાન લેવાશે. જેનો સમય સવારના 10-30થી 1-45 અને 3થી 6-15 કલાક સુધીનો રાખવામાં આવેલ છે. શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે તૈયારીઓ કરી શકે તે માટે સેમ્પલ પેપર પણ જાહેર કરી દેવામાં આવેલ છે. બોર્ડની આ પરીક્ષા બાદ ગુજકેટની પરીક્ષા તા.23 માર્ચને રવિવાર સવારના 10 દિથી બપોરના 4 કલાક સુધી લેવાનું આયોજન શિક્ષણ બોર્ડ દ્વારા ઘડી કાઢવામાં આવેલ છે.