જંગલેશ્ર્વર વિસ્તારમાં એક સાથે 1350 મકાન પર બૂલડોઝર ફરશે
નોટિસ ફટકાર્યા બાદ હવે તંત્રએ દબાણકર્તાઓને કોર્ટમાં જવાનો રસ્તો પણ બંધ કર્યો: 29થી 31 ડિસેમ્બર દબાણકર્તાઓની રજૂઆત સાંભળશે તંત્ર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં અંદાજે 1350 જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. અંદાજિત રૂ.1181 કરોડ કરતા વધુના ખર્ચે આકાર પામનારો આ પ્રોજેક્ટની કામગીરી 11 કિલોમીટર વિસ્તારમાં વિકસાવવા જાહેરાત કરવામાં આવી છે. 2022માં પ્રોજેક્ટ માટે પર્યાવરણની મંજૂરી મળી ગયા બાદ પણ કામગીરી આગળ વધી નહોતી. જો કે, હવે આજી નદી કાંઠામાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે નોટિસ આપી તંત્ર આ એક ડગલું આગળ વધ્યું હોય તેમ લાગે છે.
રાજકોટમાં આજી નદીના કાંઠે ભવિષ્યમાં આકાર લેનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને નદી કાંઠા પર સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અંદાજિત 400 કરોડ રૂપિયાની જમીન પર થયેલા 1350 જેટલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને રાજકીય ઈશારે આ કામગીરી થતી હોવાનો આક્ષેપ કરાયો છે.
આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે ક્ધસલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જેની ત્રણ ફેઇઝમાં કામગીરી કરવામા આવી રહેલ છે. આજી નદીમાં રિવરફ્રન્ટ અન્વયેના વિશેષ કામો હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટથી નદીમાં ઠલવાતો ગાર્બેજ બંધ થશે, અને નદી શુદ્ધ થશે. હાલમાં નદીની પહોળાઈ 80 થી 150 મીટરની છે જેને અંદાજીત 70 મીટરની કરી આજુ બાજુના કાંઠા વાળા ભાગોમા ગાર્ડન, રસ્તા, વોક-વે, ફૂડ કોર્ટ, હોકર્સ ઝોનની કામગીરી કરવામાં આવશે. હાલ આ નદીનો દૂધસાગર બ્રીજથી ઇન્દિરા બ્રીજ સુધીનો ભાગ ડેવલોપ કરવામાં આવનાર છે.
દબાણકર્તાઓ આ નોટિસ વિરુદ્ધ કોર્ટમાં જઈને સ્ટે ન મેળવી લે તે માટે સરકાર પક્ષે કોર્ટમાં ‘જનરલ કેવીએટ’ દાખલ કરી દેવામાં આવી છે. આ કેવીએટનો અર્થ એ છે કે, જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આ દબાણ હટાવવાની કામગીરી વિરુદ્ધ કોર્ટમાં જશે તો કોર્ટ સરકારનો પક્ષ સાંભળ્યા વિના કોઈ પણ સ્ટે આપી શકશે નહીં.
રાજકોટ શહેર પૂર્વ મામલતદાર નિલેશ અજમેરાએ ખાસ ખબરને જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં તા.29થી 31 ડિસેમ્બર સુધીમાં દબાણકારોને આધાર પુરાવા રજુ કરી શકશે. રાજકોટ શહેર પૂર્વ મામલતદાર કચેરી ખાતે હિયરિંગ યોજાશે. આ સમયે આ સમયે દ્વારા પોતાના માલિકી હકના આધાર પુરાવાઓ રજૂ કરવાના રહેશે.



