મનીષ અને સુલભા બારડિયાએ સામનાણી પરિવારના કટકે-કટકે રૂા. 74 લાખની ઉચાપત કર્યા હોવાનો ઘટસ્ફોટ
પોલીસ ફરીયાદ ન લેતાં હોવાનું કારણ શું? રૂપિયા પાંચ લાખ આપી સેટિંગ કરવા જણાવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રંગીલા રાજકોટમાં આંતરે ને ચોથે દિવસે ક્રાઈમ સહિત છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આશિર્વાદ ઈન્વેસ્ટમેન્ટસ પ્રોપારાઈટરી પેઢી ચલાવતા મનીષ બારડિયા અને તેની પત્ની સુલભા બારડિયાએ એક વિધવાના રૂા. 74 લાખની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે ‘ખાસ-ખબર’માં પ્રકાશિત થયેલા આ અહેવાલમાં ગેરસમજના કારણે જૈનમ શેર ક્ધસલ્ટન્ટસ પ્રા. લિમિટેડનો ઉલ્લેખ કરાયો હતો જે તદ્દન ખોટો છે. આ ઉચાપત જૈન ક્ધસલ્ટન્ટ નહીં પરંતુ આશિર્વાદ ઈન્વેસ્ટમેન્ટસે કરી હોવાનું માલૂમ પડ્યું છે. શહેરના નાણાંવટી ચોક સમન્વય શુભ એપાર્ટમેન્ટમાં રહેતાં અને પ્રોપારાઈટરી આશિર્વાદ પેઢીના મનીષ બારડિયા અને તેમના પત્ની સુલભા બારડિયાએ ફરીયાદી વંદના પરેશ સામનાણીના ટોટલ રૂા. 74 લાખની ઉચાપત કર્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે તા. 8 ઓકટોબરના રોજ પી.આઈ. અજીતસિંહ ચાવડા, તત્કાલીન પોલીસ ઈન્સ્પેકટર ગાંધીગ્રામ-2, યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા છતાં પોલીસ તંત્ર ફરીયાદ લેતું ન હોવાનું વંદના સામનાણીના ભાઈ ધર્મેશ દવે જણાવી રહ્યા છે. એટલું જ નહીં આ અંગે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી હતી. છતાં કમિશનર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નથી. ફરીયાદી વિધવા બહેનના પતિ પરેશ સામનાણીનું કેન્સરની બીમારીના કારણે નવેમ્બર 2019માં અવસાન થયું છે. વધુ વિગત એવી છે કે પરેશ સામનાણી પોતાની હયાતીમાં રાજકોટમાં કોમર્શિયલ કો.બેંકમાં નોકરી કરતા હતા. તેમની સાથે આરોપી મનીષ બારડિયાના પત્ની સુલભા બારડિયા નોકરી કરતા ત્યારે આ તકનો લાભ લઈ મનીષ બારડિયાએ પરેશ સામનાણીએ જૈનમ શેર ક્ધસલ્ટન્ટસમાં રોકેલા નાણા ઉપાડી પોતાની પેઢી આશિર્વાદમાં ટ્રાન્સફર કરી આપવા અને જૈનમ કરતાં વધુ નફો આશિર્વાદમાં કરી આપશું તેવી લાલચ આપી કટકે-કટકે બધા નાણાં આશિર્વાદમાં ટ્રાન્સફર કરી અપાવ્યા ત્યારબાદ થોડા મહીના પછી તેમનો અસલી ચહેરો સામે આવ્યો. માર્કેટમાં થયેલા ફાયદાનું વળતર આપવાનું બંધ કર્યું ત્યારબાદ અચાનક પરેશ સામનાણીને કેન્સર થતાં તેમનું મૃત્યુ થયું અને વંદના સામનાણી ભાંગી પડ્યા છે. જિંદગીની પૂરેપૂરી રોકડ રકમ આરોપી બારડિયા દંપતિને આપી દેતાં હવે બેઘર બન્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના આધાર પુરાવાઓ પણ પોલીસ સમક્ષ રજૂ કરવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
વધુમાં આરોપી મનીષ બારડિયા અને પોલીસ તંત્ર પાંચ લાખ આપી સેટીંગ કરવાનું ફરીયાદી વંદના સામનાણીને જણાવી રહ્યા છે તો પોલીસ દ્વારા આ તપાસ કેમ આગળ ધપાવવામાં આવતી નથી? શું મિલીભગત હોય શકે? તે જોવું રહ્યું.
છેતરપિંડીનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો…