ભરતભાઇ બારાઇ તથા તેમના પુત્ર આલાપભાઇ અને સંગીતાબેન તથા ડૉ. માધવીબેને રાષ્ટ્રપતિ ભવનની મહેમાનગતી માણી
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રપતિ પદ જેવા સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા બાદ પણ જૂના દોસ્તોને યાદ કરવા એ રામનાથ કોવિંદજીની વિશેષતા છે. આ વિશેષતાનો અનુભવ તાજેતરમાં એક રઘુવંશી પરિવારને થયો હતો. મુળ દ્વારીકા, હાલ રાજકોટના બારાઇ પરિવારને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ આમંત્રણ આપીને રાષ્ટ્રપતિ ભવનના મહેમાન બનાવ્યા હતાં.
- Advertisement -
બારાઇ પરિવારે ત્રણ દિવસ દિલ્હીની વીવીઆઇપી મહેમાનગતી માણી હતી. મુળ દ્વારીકા-ઓખા પંથકના હાલ રાજકોટ સ્થાયી થયેલા ભરતભાઇ બારાઇ તથા તેમના પુત્ર આલાપભાઇ અને સંગીતાબેન તથા ડો. માધવીબેને રાષ્ટ્રપતિ ભવનની મહેમાનગતી માણી હતી.
આ અકલ્પનીય અવસર અંગે ભરતભાઇ બારાઇએ જણાવ્યું હતું કે, મારા પિતા સ્વ. મનસુખભાઇ બારાઇ અને રામનાથજી કોવિંદ વચ્ચે વર્ષોથી ગાઢ મિત્રતા હતી. એ સમયે બારાઇ પરિવાર દ્વારિકામાં સ્થાયી હતો. રામનાથ કોવિંદજી ભાજપની વિવિધ જવાબદારીઓના ભાગરૂપે ઓખા-દ્વારીકા આવે ત્યારે પિતાની મુલાકાત થતી હતી. આ ઓળખ ધીમે – ધીમે મિત્રતામાં પલટાઇ ગઇ.
ભરતભાઇએ જણાવ્યું હતું કે, ર001ની સાલમાં રામનાથ કોવિંદજી ભાજપના ઓખા-દ્વારીકા પંથકના ભાજપના પ્રભારી બન્યા ત્યારથી પિતા અને રામનાથજી વચ્ચેની મિત્રતા ગાઢ આત્મીયતામાં પલટાઇ ગઇ હતી. ભરતભાઇએ જણાવ્યું હતું કે, રામનાથજીએ બાદમાં રાજયપાલપદ પ્રાપ્ત કર્યુ ત્યારે પણ મિત્રતાના સંબંધો અને નિયમિત સંપર્ક જાળવી રાખ્યો હતો. પિતાશ્રીના નિધનના દુ:ખદ સમયે રામનાથજીએ રાષ્ટ્રપતિ પદેથી લાગણીસભર શોકસંદેશ પાઠવ્યા હતો. સામાન્ય અનુભવો છે કે, રાજનીતિમાં પદ ઊંચું થતું જાય તેમ જૂની ઓળખાણો લૂપ્ત થતી જતી હોય છે. રાષ્ટ્રપતિ રામનાથજી અસામાન્ય વ્યકિતત્વ ધરાવે છે. જૂના સાથીદારો-મિત્રો સાથે લાઇવ સંબંધ જાળવી રાખે છે. બારાઇ પરિવારની તો બીજી અને ત્રીજી પેઢી સાથે આત્મિયતાનો નાતો જાળવ્યો છે. મનસુખભાઇના નિધન બાદ ભરતભાઇ અને આલાપભાઇ સાથે પણ રાષ્ટ્રપતિજી આત્મીયતા ધરાવે છે.
- Advertisement -
ભરતભાઇએ જણાવ્યું હતું કે, રામનાથજી જયારે ગુજરાત આવ્યા ત્યારે અમને યાદ કર્યા છે. દીવ-ગાંધીનગર અમને મળવા બોલાવ્યા હતાં. દ્વારીકા આવ્યા ત્યારે બારાઇ પરિવારના તમામ સ્વજનોને મળ્યા હતાં.
ભરતભાઇ બારાઇ, તેમના પુત્ર આલાપભાઇ અને સંગીતાબેન તથા ડો. માધવીબેનને રાષ્ટ્રપતિ ભવનના ખાસ મહેમાન બનાવીને ત્રણ દિવસ વીવીઆઇપી ટ્રીટમેન્ટ આપી હતી. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત સમયે 3 દિવસ દિલ્હી ના જોવા લાયક સ્થળો જેવા કે પ્રધાનમંત્રી સંગ્રહાલય, પ્રેસિડેન્ટ મ્યુઝીયમ, અક્ષરધામની મુલાકાત પણ કરાવી હતી.