અધિકારીને લાંચના રૂપિયાનો ભાગ આપતા હતા કે નહીં તે અંગે પણ ACB તપાસ કરશે
10 હજારનો હપ્તો લેવા જતા ACBએ રંગેહાથ ઝડપ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
10 હજારની લાંચ લેનાર માલવિયાનગર પોલીસ સ્ટેશનના મહિલા એએસઆઈ ગીતા પંડ્યાના બેન્ક એકાઉન્ટ, લોકર અને ઘરની તપાસ કરવામાં આવશે. બે દિવસના રિમાન્ડમાં વધુ તપાસ કરવામાં આવશે. એસીબી ગીતા પંડ્યાના બેંક ખાતા અને લોકરની પણ તપાસ થશે. તેમજ ઉપરી અધિકારીને લાંચના રૂપિયાનો ભાગ આપતા હતા કે નહીં તે અંગે પણ તપાસ કરશે. માલવિયાનગર પોલીસ સ્ટેશનની મહિલા એએસઆઇ ગીતા પંડ્યાને એસીબીની ટીમે શુક્રવારે રૂ.10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધી હતી, ગીતાને એસીબીની ટીમે બે દિવસના રિમાન્ડ પર લઇ તપાસ આગળ ધપાવી હતી. માલવિયાનગર પોલીસ સ્ટેશન દફતરે નોંધાયેલા મારામારીના ગુનામાં ફરાર આરોપીને નહીં પકડવા, તે રજૂ થાય ત્યારે તેને મારકૂટ નહીં કરવા, લોકઅપમાં નહીં રાખવા અને તાત્કાલિક જામીન પર મુક્ત કરવાના બદલામાં માલવિયાનગર પોલીસ સ્ટેશનની એએસઆઇ ગીતા યશવંતકુમાર પંડ્યાએ રૂ.20 હજારની લાંચ માગી હતી.