‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ મહોત્સવના અંતિમ દિવસે
મહોત્સવમાં અખિલ ગુજરાત આહીરાણી મહારાસ સંગઠનની આહીરાણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના આંગણે યોજાયેલ ‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ મહોત્સવના અંતિમ દિવસે અયોધ્યા મધ્યે શ્રીરામના પુન: બિરાજમાન થવાની ધન્ય ઘડી અને રાજકોટ મધ્યે યોજાયેલ મહોત્સવનું વહીવંચા બારોટજીઓના ચોપડામાં આલેખન કરવામાં આવ્યું હતું. અત્યંત ઉલ્લેખનીય બાબત છે કે જે રીતે 151થી વધુ વહીવંચા બારોટજીઓ દ્વારા આ તમામ પ્રસંગોનું એકસાથે, એક જ મંચ પરથી આલેખન કરવામાં આવ્યું તેવું અગાઉ ક્યારેય બન્યું નથી જેથી આ પ્રસંગ પોતે જ વિશ્ર્વવિક્રમ બની ગયો છે.
શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા રાજકોટ મધ્યે ‘રામ મેદાન’ (વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ) ખાતે ‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ પાંચ દિવસીય દિવ્ય અને ભવ્ય મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. જે મહોત્સવમાં દરરોજ અનેકવિધ પવિત્ર કાર્યક્રમો યોજાયા હતા. મહોત્સવના અંતિમ દિવસ એટલે કે 22મી જાન્યુઆરીના પવિત્ર દિવસે જયારે અયોધ્યા મધ્યે પ્રભુ શ્રીરામ પુન: બિરાજમાન થયાં હતા તે દિવ્ય અને ધન્ય ઘડીનું આલેખન વહીવંચા બારોટજીઓના વંશ પુરાણમાં આલેખન કરવામાં આવ્યું હતું. સાથોસાથ રાજકોટ મધ્યે યોજાયેલ ‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ મહોત્સવનું આલેખન પણ ઇતિહાસના ચોપડે સુવર્ણ અક્ષરે કંડારવામાં આવ્યું હતું.મહોત્સવના અંતિમ દિવસે 151થી વધુ વહીવંચા બારોટજીઓની સૂચક ઉપસ્થિતી રહી હતી. એકસાથે 151થી વધુ વહીવંચા બારોટજીઓ દ્વારા એક જ સાથે, એક જ પ્રસંગ અને તે પણ એક જ મંચ પરથી આલેખન કરવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ હોવાથી જેથી આ પ્રસંગ પોતે જ એક વિશ્વ વિક્રમ બની ગયો છે. મહોત્સવમાં અખિલ ગુજરાત આહીરાણી મહારાસ સંગઠનની આહીરાણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી. આહીરાણીઓ વિશ્ર્વવિક્રમનું પુનરાવર્તન કરીને ‘રામ મેદાન’ ખાતે મહારાસ લેતા આખું મેદાન રામમય બની ગયું હતું. આહીરાણીઓએ તમામ વહીવંચા બારોટજીઓના ચોપડાને તિલક કરીને વધાવ્યા હતા. મહોત્સવને સફળ બનાવવા માટે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના અધ્યક્ષ વિજયભાઈ વાંક, માર્ગદર્શક ભરતભાઈ દોશી, વિજયભાઈ કુગશિયા અને વિક્રમભાઈ ડાંગર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.