દાંતાની હોસ્પિટલમાં પાણી ઘૂસ્યાં, દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય જગ્યાએ ખસેડાયા: ઉત્તર ગુજરાતના 44 તાલુકામાં વરસાદ: પાલનપુર બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાયા, ઠેર-ઠેર ટ્રાફિકજામ
મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ બનાસકાંઠા, તા.4
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હેવ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે. દાંતામાં તો આજે આભ ફાટ્યું હતું. ચાર કલાકમાં જ 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી આવ્યા હતા. જેને પગલે દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તો પાલનપુરમાં પણ બે ઈંચ વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત કડી, જોટાણા, તેમજ સાબરકાંઠા સહિતમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કડીમાં 24 કલાકમાં સવા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. સોસાયટીઓમાં અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ હતી. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
પાલનપુરમાં બે કલાકમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી ગઠામણ પાટીયા રોડ ઉપર પાણી ભરાયા હતા. ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્ર્કેલીમાં મુકાયા હતા. ગઠામણ પાટીયા થી 10 થી વધુ ગામોને જોડતા માર્ગ ઉપર પાણી ભરાતા વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ અટવાયા હતા. પાણી ભરાતા હાઈવે ઉપરથી પસાર થતા વાહનો તેમજ ગામડાઓમાંથી આવતા વાહનોને લઈને ટ્રાફિકજામ સર્જાયો હતો. પાણી ભરાવાના કારણે અનેક વાહનો પણ બંધ થયા હતા.
ભિલોડા પથંકમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. રાત્રી દરમિયાન ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સુનોખ વાશેરાકંપા પાસે નાદરી નદીમાં પાણીની આવક થઈ છે. નદી પરના ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે. સુનોખ વક્તાપુરના ગામોમાં આસપાસ આવેલા વાંધા કોતરોમાં પાણી વહી રહ્યા છે.
દાંતામાં 8 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા અનેક ઝરણાં અને ધોધ વહેતા થયા હતા. વડગામના જલોત્રા પાસેના પાણીયારી આશ્રમ નજીક ધોધ જીવંત થયો હતો. જેથી અદભૂત નજારો સર્જાયો હતો. લોકોએ સેલ્ફી લેવાની પણ મજા માણી હતી.
- Advertisement -
પાલનપુર શહેરમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેને પગલે જુના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ખુબ હાલાકી પડી હતી. જુના ચેક પોસ્ટ, જુના બસ સ્ટેન્ડમાં, રેલવે બ્રિજ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાલનપુરમાં બે ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ જતાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે.
સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાંતામાં 8 ઈંચ, તિલકવાડામાં સવા બે ઈંચ, વડગામ, પાલનપુરમાં બે ઈંચ, નંદોલ, ઝઘડીયામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.
દાંતાની હોસ્પિટલમાં પાણી ઘૂસી જતાં દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. ગ્રામજનો તેમજ સેવાભાવી આગેવાનોની મદદથી દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યાં હતા. આખી હોસ્પીટલમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી ખુબ હાલાકી પડી હતી.
દાંતાની હોસ્પિટલની અંદર તેમજ હોસ્પિટલની બહાર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હોસ્પિટલની બહાર ઘૂટણસમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી સવારે સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો લોકોની મદદ કરવા પહોંચી ગયા હતા. અંબાજી અને હડાદ પંથકમા પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
દાંતાની સરકારી હોસ્પિટલના તમામ રૂમોમાં પાણી ઘૂસી ગયા હતા. હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ત્યારે જ પાણી ઘૂસી જતાં સરકારી હોસ્પિટલના તમાંમ દર્દીઓને અન્ય હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતા.