ન્યારામાં સદ્ગુરુ ધ્યાન મંદિરે ધાર્મિકોત્સવના છઠ્ઠા દિવસે ભાવિકો ઊમટ્યા
કાલે ભાગવત કથાનો અંતિમ દિવસ, 9 જાન્યુઆરીએ રામ રાજ્યાભિષેક અને યજ્ઞની પૂર્ણાહૂતિ
- Advertisement -
ધાર્મિકોત્સવમાં ન્યારા ગામવાસીઓ ભક્તિ રસથી ઓતપ્રોત બન્યા…
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ન્યારા ગામ સ્થિત શ્રી સદગુરુ ધ્યાન મંદિર ટ્રસ્ટ દ્વારા સદગુરુ ભગવાનની પધરામણીના 108માં વર્ષ તથા પ્રથમ ફોટો શતાબ્દી મહોત્સવના પાવન અવસર પર ભવ્ય ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત શ્રીરામ ચરિત માનસ સમૂહ પાઠ તેમજ શ્રીમદ્ ભાગવત નવાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવનો પ્રારંભ 31 ડિસેમ્બરના રોજ થયો હતો અને તેની પૂર્ણાહૂતિ 9 જાન્યુઆરીના રોજ થશે.
શ્રીમદ્ ભાગવત નવાન્હ પારાયણના છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ન્યારા ગામે ઉમટી પડ્યા હતા.
વક્તા મીરાબેન ભટ્ટ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના મથુરાગમન, મા યશોદા અને કૃષ્ણના કરુણ પ્રસંગો, કૃષ્ણ-ગોપી તથા રાધા-કૃષ્ણના અલૌકિક પ્રેમ પ્રસંગોનું અત્યંત આબેહૂબ અને ભાવસભર વર્ણન કરવામાં આવ્યું હતું. તેમની સુમધુર વાણીથી શ્રોતાગણ ભાવવિભોર બની ગયા હતા.
આ પ્રસંગે પ્રભુ દ્વારિકાના રાજા બન્યા તે ક્ષણનું વર્ણન કરતી વખતે ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ’ની પ્રસિદ્ધ ધૂન રજૂ થતાં સમગ્ર પંડાલ ભક્તિના રંગે રંગાઈ ગયો હતો. ત્યારબાદ રૂક્ષ્મણી વિવાહનો ભવ્ય પ્રસંગ ઉજવાયો હતો. રાજકોટ શહેરના એડવોકેટ શાહી લલિતભાઇના પરિવાર દ્વારા ક્ધયાદાન કરવામાં આવ્યું હતું. તેમજ માધવપુરના માંડવે મંગળ ફેરા તથા મંગળ ગીતોના નાદ વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના વિવાહ સંપન્ન થયા હતા.
ઉપરાંત, વક્તા શ્યામસુંદરદાસ મહારાજ દ્વારા રામાયણનું ભાવપૂર્ણ પઠન કરવામાં આવ્યું હતું. સાથે જ મહારાજ જયરામદાસ બાપુએ ગુરુભક્તોના ઘરે પધરામણી કરીને આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર મહોત્સવ દરમિયાન ન્યારા ગામ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસથી ભક્તિમય બન્યું હતું.



