રાજ્યમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાવાથી ઠંડી વધી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યાં છે. રાજ્યના કેટલાક શહેરોમા તો શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીનું આગમન પણ થઈ ગયું છે. ગાંધીનગર શહેરમાં બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો ગગડતાં લોકો ધ્રૂજી ઊઠયાં છે. પાટનગરમાં આજે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાય હતુ જ્યારે મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતું. આમ ગાંધીનગરમાં દિવસના તાપમાનની સરખાણીએ
રાત્રીનું તાપમાન 50 ટકા સુધી ગગડયું હતુ.
હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારમાં હજુ વધારો થઇ શકે છે. અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને સરેરાશ લઘુતમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન વચ્ચે 4.3 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે. ગાંધીનગર અને નલિયા સિવાય રાજ્યના તમામ શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઉપર નોંધાયું છે.
- Advertisement -
સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં અને ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં સરેરાશ તાપમાન નોંધાતું હોય છે તેના કરતાં આ તાપમાન 1થી 2 ડિગ્રી જેટલું વધુ નોંધાઈ રહ્યું છે. નલીયામાં ગઈ કાલે લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ભુજનુ 20.8 ડિગ્રી, મહુવાનું 20.7 ડિગ્રી અને કેશોદનું 20.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 33થી 24 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.
ઉત્તરથી ઉત્તર-પશ્ર્ચિમ તરફના પવન શરૂ થયાં
હાલમાં ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે. હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી સપ્તાહમાં જ ઠંડીનો ચમકારો અનુભવાશે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં ઠંડી વધુ અસરકારક રહેવાની શક્યતા છે.
ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો ચમકારો વધુ અસરકારક રહેવાની પણ શક્યતાઓ છે.
- Advertisement -



