વિદ્યા સહાયકોના આંદોલન વચ્ચે પૂરજોશમાં ચાલતી ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી
60 લાખ ઉત્તરવહીની ચકાસણી સંપન્ન
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની ઉત્તરવહી મુલ્યાંકની 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બોર્ડની પરીક્ષા સમયસર પૂર્ણ કર્યા બાદ ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી પણ સમયસર શરૂ કરીને સમયસર પૂર્ણ થાય તેવા સંકેત વચ્ચે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10ના પરિણામો સમયસર આવશે તેવો સ્પષ્ટ ઈશારો માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી મળી રહ્યો છે.
રાજ્યમાં ધોરણ 10ની ઉત્તરવહી ચકાસણીની કામગીરી માટે 174 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 24,500 શિક્ષકો દ્વારા 49 લાખ ઉત્તરવહીના મુલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 60 કેન્દ્રો ઉપર 9 હજાર કરતાં વધુ શિક્ષકો ઉત્તરવહી ચકાસણીની કામગીરી કરી રહ્યા છે. જેઓ 5 લાખ જેટલી ઉત્તરવહીની ચકાસણી કરશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 137 જેટલા મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 27,409 શિક્ષકો 23 લાખ જેટલી ઉત્તરવહીની ચકાસણ કરી રહ્યા છે.
- Advertisement -
વિદ્યા સહાયકોના આંદોલન વચ્ચે પણ પેપરની ચકાસણીની કામગીરી વેગવંતી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 60 લાખ જેટલી ઉત્તરવહીની તપાસણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના મુલ્યાંકનની કામગીરી 11 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના મુલ્યાંકનની કામગીરી 13 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી.