ઈન્ડોર માટે પાંચમાંથી એક પણ ટાવર વહેલો તૈયાર થવો અશક્ય વારંવાર આરોગ્ય મંત્રાલયમાંથી પૂછાતા ખૂલાસા
રાજકોટ નજીક આકાર લઈ રહેલી ગુજરાતની એકમાત્ર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)નો પ્રોજેક્ટ વિલંબિત ચાલી રહ્યો છે. કોરોનાકાળ પછી પણ બાંધકામમાં આવશ્યક ઝડપ નહીં આવતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વારંવાર ખૂલાસા પૂછવા માંડયા છે અને હવે તો સમગ્ર મામલો પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ સુધી પણ પહોંચી ગયો છે. પૂર્વનિર્ધારિત ડેડલાઈન કરતાં આ આખો પ્રોજેક્ટ એકંદરે એક વર્ષ મોડો પૂરો થવાનું હવે લગભગ નિશ્ચિત બની ગયું છે.વડાપ્રધાને વર્ષ 2020ની 31 ડિસેમ્બરે રાજકોટ- જામનગર હાઈ- વે નજીક ખંઢેરી ખાતે 200 એકરથી વધુ જગ્યા પરના એઈમ્સ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું તે પહેલાં સપ્ટેમ્બરથી જ કામ શરૂ થઈ ગયું હતું, જેમાં 1195 કરોડના ખર્ચે 750 બેડની મલ્ટી સ્પેશ્યાલિટી, સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ ઉપરાંત નર્સિંગ કોલેજ અને 30 બેડનું આયુષ બિલ્ડિંગ, સ્ટાફ ક્વાર્ટર્સ વગેરે 12 બિલ્ડિંગ બની રહ્યા છે.વિવાદ ટાળવા અને એક્સપર્ટાઈઝેશનનો લાભ લેવા કન્સ્ટ્રક્શન વર્ક સરકારી એચએસસીસી (હોસ્પિટલ સર્વિસીઝ કન્સલ્ટન્સી કોર્પોરેશન લિમિટેડ)ને સોંપાયું છે.
દરમિયાન, કોરોના લોકડાઉન આવી પડતાં અને પ્લાન મંજૂરીમાં ઢીલ થતાં કામ ખોરંભે ચડયું હતું પરંતુ હવે એ કોઈ પરિબળ નહીં હોવા છતાં બગડેલો સમયગાળો કવર કરવા કામ જેટલું ઝડપી બનવું જોઈએ એટલું બન્યું નથી. ઓપીડીની જેમ થોડીઘણી ઈન્ડોર સેવા પણ લોકોને મળતી થઈ જાય એ માટે આયુષ બિલ્ડિંગમાં મોડિફિકેશનની તજવીજ હાથ ધરવામાં આવી હતી એવામાં ગત ફેબુ્રઆરીમાં અહીં નિરિક્ષણ માટે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ એમ કરવાની મનાઈ ફરમાવીને એકાદું ઈન્ડોર બિલ્ડિંગ જ વિધિવત શરૂ કરી દેવાનું સુચવ્યું હતું. હવે સ્થિતિ એ છે કે ઈન્ડોરના પાંચ ટાવર પૈકી એક પણ બિલ્ડિંગ પૂરેપૂરૂં બનાવીને સોંપાતું નથી. એકાદો ટાવર કદાચિત આગામી ડિસેમ્બરમાં તૈયાર થઈ જાય તો ત્યાં આઈપીડી શરૂ કરી શકાશે.આરોગ્ય મંત્રાલયે ઓક્ટોબર- 2022ની નિયત ડેડલાઈનમાં છૂટછાટ આપીને ડિસેમ્બરમાં સમગ્ર પ્રોજેક્ટ પાર પાડી દેવા તાકીદ કરી હતી પરંતુ વિશ્વસ્ત સૂત્રો કહે છે કે ઓક્ટોબર- 2023માં પ્રોજેક્ટ પૂરો થાય તેમ છે. હાલ કામની પ્રગતિની સમીક્ષા એક્સપર્ટ કમિટી દ્વારા થઈ રહી છે.
ઉપરાંત એચએસસીસી સાથે લાયેઝન માટે પણ એક કમિટી બનાવવી પડી છે.


